અબડાસામાં કોરોના સંક્રમણમાં ભારે વધારો

નલિયા, તા. 24 : અબડાસામાં વિધાનસભા પેટાચૂંટણી અને ત્યારબાદ દીપોત્સવી પર્વ દરમ્યાન કોરોનામાં ઉછાળો આવ્યો છે. દિન પ્રતિદિન નવા કેસો નોંધાઇ રહ્યા છે. અનલોકની છૂટછાટ પછી ગામડાં અને તાલુકા મથકે વગર માસ્કે લોકો ઘૂમી રહ્યા છે. તો સામાજિક અંતર પણ ન જળવાતાં કોરોનાનો ગ્રાફ અબડાસામાં હજુ પણ ઊંચો જાય તેવો ડર છે.હાલે અબડાસામાં 35 જેટલા કેસો એકિટવ છે. આ પૈકી 13 કેસો રાતા તળાવ ખાતે કોરેન્ટાઇન છે. સાત જણ ભુજની જનરલ હોસ્પિટલમાં છે, જ્યારે 15 હોમ આઇસોલેશન છે. જો પૂરતી તકેદારી નહીં રખાય, સરકારી ગાઇડ લાઇનનું પાલન નહીં  થાય તો કોરોનાના કેસોમાં અબડાસામાં વૃદ્ધિ નોંધાઇ શકે છે.આમ તો ઘેર-ઘેર ફરી જરૂરી સર્વે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવાઇ રહ્યાં છે. અલબત્ત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો ચુસ્ત અમલ કરાય તે જરૂરી હોવાનું જાગૃત લોકોએ જણાવ્યું હતું. અબડાસામાં ખાનગી કંપની ઉપરાંત ખેતી વ્યવસાયમાં પંજાબ અને હરિયાણાના લોકો અને સુરક્ષા એજન્સીના કર્મચારીઓની સતત આવ-જાવ રહે છે. જખૌ બંદરે પણ વિવિધ વિસ્તારના લોકો આવ-જાવ કરે છે. તેમનાં આરોગ્યની તપાસ કરાય તે  જરૂરી છે. જો કે ખાનગી કંપનીના કર્મચારીઓને પોતાના વતનથી સ્થાનિકે આવ્યા પૂર્વે ભુજ ખાતે ત્રણ દિવસ કોરેન્ટાઇન કરાય છે. બીજી તરફ ટ્રેન વ્યવહાર ચાલુ  થતાં મુંબઇ અને દેશાવરથી પણ ઘણા લોકો અબડાસામાં આવે છે. જેનાં આરોગ્યની તપાસણી માટેની કોઇ વ્યવસ્થા અબડાસામાં નથી તેથી તેમના આગમનનો પણ ડર ફેલાયેલો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer