''71ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સુવર્ણ જયંતીએ લખપતથી લોંગોવાલા સુધી સાઈકલ રેલી યોજાશે

ભુજ, તા. 24 : વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધમાં થયેલા વિજયની સુવર્ણ જયંતીએ ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા કચ્છના લખપતથી રાજસ્થાનના લોંગોવાલા સુધી 1971 કિ.મી. સાઈકલ યાત્રાનું આગામી 26મી નવે.થી 6ઠ્ઠી ડિસે. દરમ્યાન આયોજન કરાયું છે. આગામી 3જી ડિસે. વિજયના નિર્ણાયક દિવસ ને 50મા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળો અને અર્ધ લશ્કરી દળોના જવાનોમાં સાહસની ભાવના જગાવવાના ઉદ્દેશથી કોણાર્ક કોર્પ્સના જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટેનન્ટ જનરલ અનિલ પુરી, સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ સાઇકલ રેલીની પરિકલ્પના કરવામાં આવી છે. આ સાઇકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક- સેનિટાઇઝેશન (એસએમએસ) રહેશે. આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઇપણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે. 1948, 1965 અને 1971ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને 10 દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે. આ સાઇકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામાં આવશે જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલાં અંતર સુધી સાઇકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલી લખપત નજીકથી 26 નવેમ્બરે શરૂ થશે અને 06 ડિસેમ્બરે લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.1971ના યુદ્ધના જવાન 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનાસિંહ જ્હાલા આ રેલીને સવારે 07:00 કલાકે લખપત પોસ્ટ વિસ્તારમાંથી લીલીઝંડી બતાવી રવાના કરશે. 26મીએ 10:00 કલાકથી ભુજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનું આયોજન કરવામાં આવશે. પ્રથમ લેગ ટીમનું ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer