ડીપીટીની કામદાર વિરોધી નીતિ સામે થનાર ધરણાં ટાળવાનો થયો પ્રયાસ

ગાંધીધામ, તા. 24 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં પ્રશાસનની કામદાર વિરોધી નીતિ સામે કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠન પૂર્વ-પશ્ચિમ કચ્છે આપેલી ધરણાંની નોટિસને પગલે તંત્રે તે ટાળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં સંગઠને 23મીએ ધરણાં યોજવાની મક્કમતા દર્શાવી છે. સંગઠનના ઉપાધ્યક્ષ સતીષ મોતાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગત 9મીએ ધરણાની નોટિસ પ્રશાસનને આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તે દિશામાં કોઇ પગલાં ભરાયાં નથી. સંગઠનને કામદાર પ્રશ્નોની ચર્ચા માટે આમંત્રણ પણ અપાયું નથી જે તેની કામદાર વિરોધી નીતિ છતી કરે છે. તંત્રે ઠેઠ 4-12ના ઉપાધ્યક્ષ સાથે બેઠક યોજવાની વાત આગળ કરીને આ ધરણા મોકૂફ રાખવા સંગઠનને પત્ર દ્વારા અપીલ કરી છે. આવી રીતે કામદારોના પ્રશ્નો ટાળવાના આ પ્રયાસને પ્રશાસનની ઢીલી નીતિ સંગઠને ગણાવી છે. પ્રશાસનના કેટલાક કામદાર વિરોધી નિર્ણયોને લઇને આ સંગઠન આગામી 23મીએ પ્રશાસનિક ભવનના મુખ્ય દ્વાર ઉપર સવારે 9-30 વાગ્યાથી ધરણાં તથા સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપશે. આ માટે સંગઠને તમામ કામદારોને તેમાં સામેલ થવા અપીલ પણ કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer