સ્ટેમ્પ વેન્ડરને કમિશન વધુ આપવા માંગ
ગાંધીધામ, તા.24 : સ્ટેમ્પ વેન્ડરોના કમિશનના દરમાં વધારો કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ માંગ કરી હતી. સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ એક યાદીમાં જણાવ્યું હતું કે સ્ટેમ્પ વેન્ડરોને મળતું કમિશન છેલ્લા લાંબા સમયથી વધારવામાં આવતું નથી. છ માસ અગાઉ સ્ટેમ્પ વેન્ડર દીઠ દસ રૂપિયા આપવાની મહેસૂલ મંત્રી ધ્વારા જાહેરાત કરાઈ હતી તેનો અમલ કરાતો નથી. હાલમાં સ્ટેમ્પ વેન્ડરને 300 રૂપિયાના મૂલ્યના ઈ -સ્ટેમ્પ પર માત્ર 45 પૈસા જ કમિશન મળે છે. જે હાલના સમયે ખૂબ ઓછું છે. જાહેરાત મુજબ વેન્ડરના ખાતામાં આપવાના થતા રૂા.10 જમા આવ્યા જ નથી. તેને બદલે સરકારે નકકી કર્યા મુજબ રૂા. 100 ના સ્ટેમ્પ દીઠ 15 પૈસા કમિશન પેટે આપવાની જાહેરાતને અનુસરવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટેમ્પ વેચવા માટે બેન્કને રૂ. 100ના સ્ટેમ્પ ઉપર રૂા. 1નું કમિશન અપાય છે.વધુમાં તેણે ઉમેર્યુ ંહતું કે સ્ટેમ્પ વેન્ડરના કહેવા પ્રમાણે 1 લાખ કે 10 લાખના સ્ટેમ્પ હોય તો પણ સરકાર રૂા. 10 જ કમિશન આપી ધંધા રોજગારને નુકસાન કરાવી રહી છે. આ અભિગમથી નારાજગી છવાઈ છે. બેંક ધ્વારા ફ્રેકીંગ કરી આપવામાં આવ્યું હોય કે ઈ -સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ લેવામાં આવ્યો હતો તેનો ઉપયોગ એક સરખા કામ માટે જ થાય છે. તેમ છતાં કમિશન આપવામાં સરકારની ભેદભાવ ભરી નીતિ અન્યાયકારક છે.સ્ટેમ્પ વેન્ડરોને નકકી કરાયેલા ચોકકસ પ્રકારના મોંઘા પ્રિન્ટર વીજબિલ, કચેરીના ભાડા જેવા ખર્ચ કરવા પડે છે. સ્ટેમ્પ ખરીદવા આવનારા પાસેથી ફોર્મ ભરાવવા તથા ફોર્મ ભરાવ્યા બાદ તેમાં કોઈ ભૂલ થાય તો તે સ્ટેમ્પ નકામો થઈ જાય છે અને ખર્ચા પણ માથે પડે છે. માર્ચ મહિનામાં મહેસૂલી મંત્રી ધ્વારા કરાયેલી જાહેરાતની અમલવારી કરી કમિશન દરમાં વધારો કરવા શ્રી દનીચાએ માંગ કરી હતી.