મેરાઉમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનો પરિણીતા પર છરી વડે હુમલો
ભુજ, તા. 24 : માંડવી તાલુકાના મેરાઉમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ પરિણીતાને છરી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે માંડવી પોલીસમથકે મેરાઉની રસીલાબેન કાંતિભાઇ કાનજીભાઇ માતંગે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી એવી તેની પડોશમાં રહેતી કૌશલ્યાબેન જગદીશ પુનશી કન્નડ તેના પતિના એકતરફી પ્રેમમાં હતી અને દોઢેક વર્ષ પૂર્વે તેણે પરિણીતા રસીલાબેનને ફોન કરી જણાવ્યું હતું કે, હું કાંતિને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન ન કરીશ નહીંતર તને જાનથી મારી નાખીશ. દરમ્યાન, અઠવાડિયા પૂર્વે આરોપી યુવતી પરિણીતાના ઘરે આવી આ જ બાબતે બોલાચાલી કરી હતી અને રવિવારે બપોરે આરોપી યુવતીએ ફરિયાદી પરિણીતાના ઘરે ધસી જઇ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ?ધરી છે.