મુંદરામાં ભારે માલવાહક કલમારના કન્ટેનર તળે યુવાનનું ચગદાઇ જતાં મોત

ભુજ, તા. 24 : ગઇકાલે રાત્રે મુંદરાના ઓલ કાર્ગો સીએસએફમાં ભારે માલ પરિવહન દરમ્યાન ત્યાં ખાનગી કંપનીમાં નોકરી કરતા 23 વર્ષીય કુલદીપ ભવાનજી સિંધલનું કલમારના કન્ટેનર તળે ચગદાઇ જવાથી કમકમાટીભર્યું મોત થયું છે.આ અકસ્માત અંગે ખાનગી કંપનીમાં નોકરી કરતા એવા મૃતક કુલદીપના ભાઇ ભાવેશ સિંધલે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે 11 વાગ્યા દરમ્યાન ઓલ કાર્ગો સીએસએફ ખાતે કલમાર નં. એન.એલ.ઓ. 7-કે 7985વાળાના ચાલકની બેદરકારીના લીધે આ અકસ્માત થયો છે. આ અંગે મૂળ કોઠારા અને હાલે મુંદરાના કુલદીપના પરિજનો પાસેથી મળેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે કુલદીપ પોતાની નોકરી પૂરી કરીને ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે કલમારના ચાલકે વજનમાં ભારે એવા કન્ટેનરમાં બ્લોક એકબાજુ થઇ જતાં તેનો કાબૂ ગુમાવી દેતાં ભારેખમ કન્ટેનર પગે આવતા કુલદીપ પર પડતાં તેનું ચગદાઇ જવાથી મોત થયું હતું. આ ગોઝારી ઘટનાનાં પગલે સિંધલ પરિવારનો `કુલદીપ' બુઝાતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer