મેઘપર(બો.)ની કંપનીના 23 ટીવી સેટ બારોબાર સગેવગે
ગાંધીધામ,તા.24:અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી એક ખાનગી કંપનીમાંથી રૂ.3,40,728 એલ.ઈ.ડી.ટી.વી ભરી મહારાષ્ટ્ર ન પહોંચાડતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.મેઘપર બોરીચીમાં આવેલી જીનસ કંપનીને મહારાષ્ટ્રના ભીવંડીમાં આવેલી વી.યુ કંપનીમાં રૂ.82,96,009ના 560 ટી.વી મોકલવાના હતા. જે માટે કંપનીના હરીશ વર્માએ ટ્રાન્સપોર્ટર સુધીર સત્યવિરસિંઘ ચૌધરીને આ અંગે વરધી આપી હતી. આ ટ્રાન્સપોર્ટરે ગુરુ કન્ટેનર સર્વિસના અલદીપ પુનિયાને ઓર્ડર આપ્યો હતો.ગત.તા.6-11ના આ અલદીપનો ચાલક બજરંગલાલ શીશપાલ ગાડી નંબર ડી.એન.09.આર.9376 લઈને જીનસ કંપનીમાં ગયો હતો અને પોતાના વાહનમાં 560 ટી.વી ભરાવી લીધા હતા અને બાદમાં તા.8-11ના તે ભીવંડી પહોંચ્યો ત્યારે તેમાંથી 23 ટી.વી ઓછા જણાયા હતા. ભીવંડીની કંપનીએ આ અંગે જીનસ કંપનીનું ધ્યાન દોર્યુ હતું. અંતે આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બંને શખ્સો અલદીપ અને બજરંગલાલે ભેગા મળીને રૂ.3,40,728ના 23 ટી.વી બારોબાર વેચી માર્યા હતા.ગાંધીધામ,મીઠી રોહર, ભચાઉમાં ભંગારના અનેક વાડા ધમધમી રહ્યા છે જેમાં આવો માલ ઉતારવામાં આવે છે જે અંગે પોલીસ બધું જાણતી હોવા છતાં આંખ આડા કાન કરે છે અને મલાઈ લઈને સબ સલામત હૈ ના પાટિયા મારી દેવામાં આવે છે. આ પ્રકરણમાં સુધીર ચૌધરીએ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.