ગાંધીધામ-કંડલા માર્ગે ઊભેલી જીપમાં ડમ્પર ભટકાતાં યુવાનનું થયું મોત

ગાંધીધામ, તા. 24 : શહેરના કાસેઝ નજીક વળાંક પાસે પુલિયા ઉપર આગળ ઊભેલી તુફાન(જીપ)માં પાછળથી ડમ્પર ભટકાતા જીપમાં સવાર મુકેશચંદ જગરામસિંહ રાજપુત(ઉ.વ.30) નામના યુવાનનું મોત થયું હતું અને અન્યોને ઈજાઓ પહોંચી હતી.શહેરમાં આવેલી બ્રાઈટ મરિન સર્વિસ નામની કંપનીમાં કામ કરતા અને કંડલામાં ફરજ બજાવતા મુકેશચંદ અને તેનો સાળો રામનરેશ ગજેન્દ્રસિંહ રાજપુત ગઈકાલે કંપનીની ગાડી તુફાન નંબર જી.જે.12. એકસ.4264માં કંડલા ખાતે નોકરીએ ગયા હતા. સાંજે કામ પતાવી આ ગાડી પરત આવી રહી હતી ત્યારે અમુક મુસાફરોને ઉતરવું હોવાથી તેના ચાલકે કાસેઝ નજીક પુલિયા ઉપર આ ગાડી ઊભી રાખી હતી. તેવામાં પાછળથી ધસમસતાં આવતાં ડમ્પર નંબર જી.જે.12. બી.ડબલ્યુ.5715ના ચાલકે આગળ ઊભેલી આ જીપમાં પોતાનું વાહન ભટકાવતા જીપમાં પાછળ બેઠેલા મુકેશને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જેમાં તેનું મોત થયું હતું. જયારે અન્ય છ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આવા અનેક બનાવો આ સંકુલમાં બન્યા છે, પરંતુ ટ્રાફિક પોલીસ ન જાગતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer