જીએમડીસીના ફુલરા ફાટકથી મોટી છેર માર્ગે દોડતા વાહનોમાંથી ઊડતી ઝીણી માટી

નુંધાતડ, (તા. અબડાસા), તા. 24 : લખપત તાલુકાના ફુલરા ફાટકથી મોટી છેર સુધીના માર્ગે પસાર થતાં જીએમડીસીના ડસ્ટ ભરેલા વાહનોમાંથી ઉડતી ઝીણી માટી ખડૂતોના પાક અને માનવજીવન માટે જોખમી હોવાથી તાત્કાલિક આવા વાહનો બંધ કરવા અન્યથા લોકોના હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી સામાજિક કાર્યકરે આપી હતી. જીએમડીસીના ડાયરેકટરને કરેલી રજૂઆતમાં સામાજિક કાર્યકર અને અખિલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફ જાકબ બાવાએ જણાવ્યું હતું કે, લખપત તાલુકાના ફુલરા ફાટકથી નાની મોટી છેર, પુનરાજપર એવા અનેક ગામોની બાજુમાંથી પસાર થતાં માર્ગ ઉપર જીએમડીસીમાંથી ભરવામાં આવતા ડસ્ટવાળા વાહનોમાંથી રોડ ઉપર તેમજ રોડની બંને બાજુ ખેડૂતોની માલિકીની જમીનો આવેલી છે. ત્યાં ઘણીવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. ઝીણી રેતી એટલી હદે ઉડે છે કે આજુબાજુના રાહદારીઓ અને ખેડૂતો માલધારીઓ સહિતના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.સ્થાનિક જીએમડીસી અધિકારીઓની બેદરકારીનો ભોગ અહીંના લોકો બની રહ્યા છે.અગાઉ જીએમડીસી પાન્ધ્રો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતો પરંતુ હાલના તબક્કે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જીએમડીસીના આ વિસ્તારથી ઓરમાયા વર્તનથી આજુબાજુના ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જીએમડીસી દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે જો તાત્કાલિક ધોરણે આ બાબતે ઘટતું કરવામાં નહીં આવે તો નાછૂટકે લોકોના હિત માટે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer