કોરોના સામે ભુજમાં પોલીસના જાગૃતિ રથનો પ્રારંભ

કોરોના સામે ભુજમાં પોલીસના જાગૃતિ રથનો પ્રારંભ
ભુજ, તા. 21 : દીપોત્સવી તહેવારો પૂર્ણ થયા બાદ અને ઠંડીની ઋતુ શરૂ થયા પછી કોરોનાનું સંક્રમણ અને કેસ વધવાની સ્થિતિ વચ્ચે આ મહામારી અન્વયે લોકોમાં જાગૃતિ આવે અને વધુ હાનિ થતી અટકે તેવા આશય સાથે ભવિષ્યને કેન્દ્રમાં રાખીને પોલીસદળ દ્વારા આ જિલ્લા મથકે કોરોના જાગૃતિ પોલીસ રથનો આજથી પ્રારંભ કરાયો હતો. કચ્છ સહિતના ચાર પોલીસ જિલ્લાને આવરી લેતી પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક જે.આર. મોથાલિયાએ લીલી ઝંડી બતાવી કોરોના જાગૃતિ પોલીસ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમયે ચારેય પોલીસ જિલ્લાના અધીક્ષક તેમની સાથે જોડાયા હતા. દિવાળી પછીના દિવસોમાં કોરોના સબંધી સંક્રમણ વધવા સાથે આ મહામારીના કેસ પણ વધવા લાગતા તેની સામેના પ્રથમ ઉપાય એવા સાવચેતી અને તકેદારી માટે પોલીસદળે સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવતી આ લોકોપયોગી કાર્યવાહી હાથ ધરી હોવાનું આઇ.જી. શ્રી મોથાલિયાએ રથને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના અધીક્ષક સૌરભ સિંઘએ આ પ્રસંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ તુરત પ્રાથમિક તબક્કે ભુજ શહેર માટે આ રથ શરૂ કરાયો છે. જે લાઉડ સ્પીકર સાથે જિલ્લા મથકના વિવિધ વિસ્તારોમાં ફરી વળીને લોકજાગૃતિ માટેની કાર્યવાહી હાથ ધરશે. કોરોનાની વર્તમાન હાલત અને ભવિષ્યમાં સ્થિતિ વધુ બગડવાની દહેશતને લઇને જાગૃતિ આણવા ફરનારા આ રથમાં સામેલ કર્મચારીઓ લોકોને સમજણ આપવા સાથે જેમની પાસે માસ્ક નહીં હોય તેમને માસ્કનું વિતરણ કરશે. સાથેસાથે નિયમોની સમજાવટ છતાં ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી પણ કરશે. ભુજમાં કોરોના નિયંત્રણ સુધી આ રથ અવિરત રહેશે. તો આગામી સમયમાં ભુજ ઉપરાંત માંડવી, મુંદરા અને નખત્રાણા સહિતના નગરો માટે પણ આવું આયોજન વિચારાઇ રહયું હોવાનું શ્રી સિંઘે ઉમેર્યું હતું. પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક મયૂર પાટિલ, બનાસકાંઠાના શ્રી દુગલ, પાટણના અક્ષયરાજ મકવાણા આ પ્રસંગે જોડાયા હતા. નાયબ પોલીસ અધીક્ષક ભુજ વિભાગ જે.એન.પંચાલ તથા વડામથક ભુજના નિવાસી સબ ઇન્સ્પેકટર એસ.એમ. ચૌહાણે આયોજન વ્યવસ્થા સંભાળ્યાં હતાં. દળના અન્ય અધિકારીઓ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer