રાજ્યના સૌથી ઠંડા વિસ્તાર અબડાસાનાં રમણીય સ્થળોમાં પ્રવાસીઓ ઉમટયા

રાજ્યના સૌથી ઠંડા વિસ્તાર અબડાસાનાં રમણીય સ્થળોમાં પ્રવાસીઓ ઉમટયા
રાયધણજર (તા. અબડાસા), તા. 21 : મીની દિવાળી વેકેશનના કારણે કચ્છના છેવાડે આવેલ અને રાજ્યના સૌથી ઠંડા વિસ્તાર અબડાસા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પિંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ નજીકમાં આવેલ દરિયા કિનારે દર્શનાર્થી અને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી  પડયું હતું. નૂતન વર્ષના દિવસથી માંડીને લાભપાંચમ સુધીના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ તેમજ આસપાસના કોઠારા, નલિયા, ડુમરા, સુથરી, સાંયરા, આરિખાણા, વાંકુ, વાડાપદ્ધર સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ રમણીય સ્થળની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે ચાલુ દિવસોમાં સૂમસામ ભાસતો દરિયા કિનારો તહેવારોના કારણે પ્રવાસીઓના આનંદની ચિચિયારીઓ અને હર્ષોલ્લાસથી ગાજી ઊઠયો હતો. દરિયા કિનારાથી સાવ નજીકના અંતરે સેંકડોની સંખ્યામાં આવેલી પવનચક્કીઓના કારણે અનેરું દૃશ્ય દૃષ્ટિગોચર થવાથી પ્રવાસીઓએ ફોટો શૂટ કર્યાં હતાં. છેવાડાનો વિસ્તાર હોવાથી દરિયાકિનારે ગ્રામરક્ષક દળના કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. જેમાં સવારના ભાગમાં બે અને રાત્રિના ભાગમાં ચાર ગ્રામરક્ષક દળના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer