રતડિયામાં વાડામાંથી બેનંબરી મનાતા 2.70 લાખના બાવળિયા કોલસા પકડાયા

રતડિયામાં વાડામાંથી બેનંબરી મનાતા 2.70 લાખના બાવળિયા કોલસા પકડાયા
ભુજ, તા. 21 : નખત્રાણા તાલુકાના રતડિયા ગામે પોલીસદળે બાતમીના આધારે જિલ્લા કક્ષાએથી દરોડાની કાર્યવાહી હાથ ધરીને રૂા. 2.70 લાખની કિંમતના ગેરકાયદેસરના મનાતા 900 બોરી કોલસા ઝડપી પાડયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ રતડિયા ગામે ગામના સોહેબ મામદ ચાકીના કબજાના વાડામાં છાપો મારીને બાવળિયા કોલસાની 900 બોરીનો જથ્થો હસ્તગત કર્યો હતો. આધાર-પુરાવા વગરના આ જથ્થાની કિંમત રૂા. 2.70 લાખ અંકારવામાં આવી છે. પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે કોલસાનો જથ્થો શંકાસ્પદ માલ તરીકે સી.આર.પી.સી. 102 મુજબ કબજે લેવાયો હતો. આ સંબંધે વનતંત્રને પોલીસે વાકેફ કરતા આગળની છાનબીન હાથ ધરાઇ છે. વાડાનો કબજો ધરાવતો સોહેબ ચાકી હજુ હાથમાં આવ્યો નથી. તેની પૂછતાછમાં આ કાળો માલ કોણે બનાવ્યો તેના સહિતની વિગતો બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer