પ્રજાની સેવા કરનારા નેતાને કચ્છ કયારેય નહીં ભૂલે

પ્રજાની સેવા કરનારા નેતાને કચ્છ કયારેય નહીં ભૂલે
ભુજ, તા 21 : કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ. કાંતિપ્રસાદભાઇ અંતાણીની 120મી જન્મ જયંતીએ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી અને વંદના કરાઇ હતી. કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ. કાંતિપ્રસાદભાઇ અંતાણીની 120મી જન્મ જયંતીએ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાત્રી અને દાતા શંકરભાઇ સચદે તેમજ સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ કચ્છ જિલ્લાના સામાજિક અગ્રણી અને ગુજરાત પ્રદેશ માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઇ શુકલ, યુવા અગ્રણી રાજુભા જાડેજા તેમજ લઘુમતી સમાજના અગ્રણી જુસબશા તેમજ મહિલા અગ્રણી નીતાબેન શાહ, યશ્વી શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાત્રી શંકરભાઇએ જણાવ્યું હતું કે, કાંતિભાઇ અંતાણીએ ગાડા યુગમાં પ્રજાની સેવા કરી છે. તેમને કચ્છ કયારેય નહીં ભૂલે. ખાદીધારી આ નેતાને લોકો આજે પણ યાદ કરે છે. ગાંધીયુગના નેતાએ ગાડામાં બેસીને ગામેગામ ફરી અને પ્રજાના કામો કર્યા છે. આ તકે સત્યમ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં શંકરભાઇ સચદે તરફથી બાળકોને અલ્પાહાર કરાવાયો હતો. આ તકે માધાપર ગામના રાજેન્દ્ર લક્ષ્મીકાંત ભટ્ટ તરફથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઇ મહેતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડોદરાના જાગૃતિબેન કેતનભાઇ અંતાણી અને અમદાવાદના દર્શનભાઇ જનાર્દન વૈષ્ણવ દ્વારા ગાયોને ઘાસચારો, પંખીઓને ચણ અને શ્વાનોને બિસ્કિટ અને રોટલા અપાયા હતા. દરમ્યાન, પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તથા સમગ્ર જિલ્લા પંચાયત કર્મચારી પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે શ્રી અંતાણીના સેવાકીય કાર્યોને યાદ કરી તેમાંથી સહુને પ્રેરણા લેવા હાકલ કરી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ, આરોગ્ય અધિકારી શ્રી કન્નર, યશ્વી દેઢિયા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળીના વિજય ગોર, બિપિન ગોર, જયવીરસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા તથા શિક્ષણ શાખાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી નીલેશભાઇ ગોર અને મૌલિકભાઇ પટેલ તથા વિવિધ કર્મચારી, આગેવાને હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer