અબડાસામાં 25 ટકા ઘેટાં-બકરાંમાં જીવલેણ બીમારી

અબડાસામાં 25 ટકા ઘેટાં-બકરાંમાં જીવલેણ બીમારી
પીયૂષ જોશી દ્વારા-  રાયધણજર, (તા. અબડાસા), તા. 21 : રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતા કચ્છના વિવિધ વિસ્તારોમાં ઠેકઠેકાણે ઘેટાં-બકરાંમાં વ્યાપક પ્રમાણમાં રોગચાળો ફેલાતાં મૂંગા અબોલ પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે. માલધારી પાસેનાં ઘેટાં-બકરાંમાંથી અંદાજિત 20થી 25 ટકા જેટલાં ઘેટાં-બકરાનાં પગમાં ફુગના કારણે તેમજ પગમાં રસી થવાના કારણે દર્દભરી પરિસ્થિતિમાં નિ:સહાય અવસ્થામાં, લંગડાતી અવસ્થાના  કારણે ચાલી શકવામાં અસમર્થતાને કારણે ટૂંક સમયમાં જ યોગ્ય સારવાર ન મળે તો કુદરતી રીતે કે કૃત્રિમ રીતે મોતના મુખમાં ધકેલાઈ જતાં અરેરાટી ફેલાઇ છે. આ વર્ષે કચ્છમાં વિક્રમજનક વરસાદના કારણે ઠેકઠેકાણે ડેમ, તળાવ, નદીઓમાં વિપુલ માત્રામાં પાણી સંગ્રહ થયેલું છે. તેમજ ચોમાસામાં વ્યાપક વરસાદને કારણે ભીની માટીમાં ચાલવાના કારણે પગમાં રસી થવાના કારણે તેમજ પગની ખરી વચ્ચે કાંટાળી વનસ્પતિના કારણે ગંભીર પ્રમાણમાં ઈજા થવાથી અબોલ મૂંગા પશુઓ માટે હાલનો સમય ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ અંગે અબડાસા તાલુકાના મંજલ ( રેલડિયા ) વિસ્તારના  એક માલધારીની વાતચીતમાં માલધારીઓની અંધશ્રદ્ધા તેમજ પશુપાલન વિભાગની કામગીરી બાબતનો સ્પષ્ટ અસંતોષ હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસે હાલમાં 140 જેટલાં ઘેટાં-બકરાં છે. તેમાંથી 35 જેટલાં ઘેટાં-બકરાંમાં આ પ્રકારનો રોગ થવાથી લંગડાતા ચાલે છે. જેથી આ રોગથી પીડિત ઘેટાં-બકરાં સારાં થઈ જાય તે માટે માતાજીના મંદિરે દર્શન કરવા માટે લઈ જવામાં આવે છે. જેથી ઘેટાં-બકરાંઓ સાજા થઇ જાય. આ બાબતે માલધારી  સાથે દવાની વાત કરતાં માલધારીએ જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી જ નથી. પશુ ડોકટર ક્યારેક જ આવે છે. અબડાસાના ત્રિભેટે આવેલા કોટાયા ગામના એક માલધારીએ જણાવ્યું હતું કે, તેની પાસે 38 ઘેટાં-બકરાં છે તેમાંથી 9 ઘેટાં-બકરાંને હાલમાં આ રોગચાળો લાગુ પડી ગયો છે અને સારવાર  બાબતે પૃચ્છા કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં  પશુ ડોકટર છેલ્લે ક્યારે આવ્યા તે યાદ નથી. ઘણા સમય પહેલાં મુલાકાત લીધેલી પણ હાલમાં કોઈ પશુ ડોક્ટરે કોઈ પણ પશુની સારવાર માટે મુલાકાત લીધી હોય તેવું જાણમાં નથી સાથેસાથે એમ પણ જણાવ્યું હતું કે,  ડોક્ટર દવા આપી જાય તો પણ તે પશુઓ માટે કારગત નીવડતી નથી અને પશુઓને કોઈ ફરક પડતો નથી. જેથી કરીને માલધારી પોતાની રીતે જ આ રોગથી પીડિત ઘેટાં-બકરાંના પગની ખરીમાં પેટ્રોલ જેવા પદાર્થનો પ્રેથી છંટકાવ કરીને જાતે ડ્રાસિંગ કરવાની નાછૂટકે ફરજ પડે છે. જ્યારે એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જે પશુઓ સાજા થતા ન હોય અથવા સાજા થવાની શક્યતા ન હોય તે પશુઓ કૃત્રિમ રીતે મોતને ભેટતા હોય  છે. જેથી કરીને જીવદયાપ્રેમીઓમાં પણ કચવાટની લાગણી ઊભી થઈ છે.  આ બાબતે જિલ્લા પશુપાલન નાયબ નિયામકની કચેરીનો સંપર્ક કરતાં તેમના દ્વારા પણ જણાવાયું હતું કે, કેટલાક પ્રાકૃતિક પરિબળોના કારણે આ પ્રકારનો રોગ ફેલાય છે અને કચ્છ એ એક મોટો વિસ્તાર ધરાવતો પ્રદેશ છે અને લગભગ 60 ટકા જેટલા ભાગના વિવિધ વિસ્તારોમાં પશુઓને સારવાર માટે કેમ્પનું આયોજન કરીને સારવાર કરવામાં આવેલી છે. આમ છતાં હજુ જો કોઈ પણ માલધારીઓ તરફથી આ બાબતે રજૂઆત કરવામાં આવશે કે ધ્યાન દોરવામાં આવશે તો નજીકના દિવસોમાં જે-તે જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમજ અંધશ્રદ્ધા દૂર કરવા માટે લોકજાગૃતિના પ્રયાસો પણ ચોક્કસપણે કરવામાં આવશે. કચ્છ વિશાળ ક્ષેત્રફળ ધરાવતો પ્રદેશ છે અને તેમાં મોટી સંખ્યામાં ઝીણા માલ તરીકે ઓળખાતા ઘેટાં-બકરાંઓ લગભગ 10 લાખ જેટલી સંખ્યામાં હોવાનું જાણવા મળ્યું છે. હાલના સમયમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયેલો દેખાય છે અને  મંજલ, મોથાળા અને કોટાયા વિસ્તારના માત્ર ત્રણ માલધારીઓની રજૂઆત મુજબ કુલ ઘેટાં-બકરાંના 20થી 25 ટકા જેટલા પશુઓમાં ગંભીર પ્રકારની બીમારી વ્યાપક પ્રમાણમાં જોવા મળી  રહી છે. જો દરેક જગ્યાએ જ આ પ્રમાણે પરિસ્થિતિ હોય તો કુલ પશુઓના 20થી 25 ટકાના હિસાબ યોગ્ય આરોગ્ય સુવિધાઓના અભાવે શારીરિક રીતે વિકલાંગ અથવા અકાળે મૃત્યુના મુખમાં ધકેલાઈ જતા પશુઓની સંખ્યા પણ અધધધ કહી શકાય તેટલી હોઈ શકે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer