હવે 10 ટી-20 રમનારાને પણ બોર્ડનો કોન્ટ્રાક્ટ

મુંબઈ / એડીલેડ, તા. 21 : ટી-20ના વધતા ક્રેઝને લીધે બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમમાં ફેરફાર કર્યા છે. હવે ફક્ત 10 ટી-20 રમનાર ખેલાડીને પણ કોન્ટ્રાક્ટ મળી શકશે. પહેલાં વન-ડે અને ટેસ્ટ રમનાર ખેલાડીઓને જ કરાર મળતો હતો. ટી-20ના વધતાં ક્રેઝને લીધે બોર્ડે આ નિર્ણય લીધો છે. બોર્ડ તરફથી પુરુષ ખેલાડીઓને ચાર કેટેગરી એ+, એ, બી અને સીમાં કોન્ટ્રાક્ટ અપાય છે. એ+વાળા ખેલાડીઓને વાર્ષિક 7કરોડ મળે છે. એ કેટેગરીમાં 5 કરોડ, બી કેટેગરીમાં 3 કરોડ અને સી કેટેગરીમાં વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. સુપ્રીમકોર્ટ તરફથી રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ(સીઓએ)ના એ પ્રસ્તાવને બોર્ડે નકારી કાઢ્યો હતો જેમાં ટી-20ને સામેલ કરવા કહેવાયું હતું. જોકે નિયમોમાં ફેરફાર કરતાં 3 ટેસ્ટ કે 7 વન-ડે રમનાર ખેલાડીને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ગત સિઝનમાં બોર્ડે અપવાદરૂપે વાશિંગ્ટન સુંદરને સી કેટેગરીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે ટી-20માં સારું પ્રદર્શન કરે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે તેનાથી નાના ફોર્મેટના ખેલાડીને કોન્ટ્રાક્ટ આપી શકાશે. હાલ 27 પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અપાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer