કેન્દ્રીય ટુકડીના ગુજરાતમાં ધામા

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતાં કેન્દ્રીય ટીમ ડો. એસ.કે. સિંઘની અધ્યક્ષતામાં 3 નિષ્ણાત ડોકટરો સાથે આવી પહોંચી હતી. સૌ પ્રથમ તેઓએ આજે અમદાવાદ સ્થિત એસવીપી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ટીમે એસવીપીમાં 4 કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ અમદાવાદના દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ તથા ડોકટરોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, સાથે સાથે પીપીઈ કિટ પહેરીને એસવીપીમાં દર્દીઓ સાથે મુલાકાત પણ કરી હતી.કેન્દ્રીય ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત બાદ ત્યાં હાજર રહેલ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વધવાનું મુખ્ય કારણ દિવાળીમાં થયેલી લોકોની ભીડભાડને કારણે છે. તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ સામે આવ્યું છે. વધતા સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે. બીજીબાજુ એનસીડીસીના નિયામક ડો. સુજીતકુમારે જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે આપણે અવલોકન કરવાની જરૂર છે. કોવિડ અને તેની ગાઇડલાઇન નહીં અનુસરીએ તો સમસ્યા સ્ફોટક બનશે. એસવીપી હોસ્પિટલની મુલાકાત બાદ કેન્દ્રની આરોગ્યની ટીમ રીવરફ્રન્ટ હાઉસ પર પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું્ હતું. દરમિયાન કેન્દ્રીય ટીમ અમદાવાદ બાદ આજે વડોદરાની મુલાકાતે પણ પહોંચી હતી. વડોદરા ખાતે તેઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સહિત હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. સાથે સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. કેન્દ્રીય ટીમ બે દિવસની મુલાકાત દરમિયાન સુરત અને રાજકોટની મુલાકાત પણ લેનાર છે.કેન્દ્રીય આરોગ્યની ટીમ કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે જે રિપોર્ટ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer