દયાપરમાં લોક દરબાર અંતર્ગત `ત્રીજી આંખ'' પુન: શરૂ કરવા રજૂઆત

દયાપર, (તા. લખપત) તા. 21 : તાલુકાના આ મુખ્ય મથક ખાતે પોલીસ સ્ટેશનમાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘએ લોકોની રજૂઆત સાંભળી વિવિધ સૂચનો કર્યા હતા. વેપારી મંડળ દ્વારા સી.સી. કેમેરાની માગણી પછી કેમેરા બજારમાં ફિટ પણ થઈ ગયા અને આ વરસાદમાં મોટાભાગના કેમેરા બંધ થઈ જતાં પોલીસ વડા પાસે સી.સી. ટીવી કેમેરાનું મરંમત કાર્ય જલ્દી કરાય તેવી માંગણી કરાઈ હતી. વેપારી મંડળના પ્રમુખ વિશ્વનાથ જોષીએ સી.સી. કેમેરા સરહદના ગામ માટે સુરક્ષા અર્થે મહત્વના છે. આ ઉપરાંત મુધાન પોલીસ થાણાને પુન: અદ્યતન બનાવવા ઊંટ દ્વારા પેટ્રોલીંગ કરવા પણ માંગ કરી હતી. ઝારાથી લખપત વિસ્તાર મોટો છે તેમ વચ્ચે સરહદના ગામડાઓમાં પોલીસ થાણા કાર્યરત થાય તો વર્તમાન સમયમાં બાજનજર રાખી શકાય તેવું તેમણે કહ્યંy હતું. સરપંચ ભવાનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોની, દિલીપભાઈ જણસારી, ઉપસરપંચ ઉરસભાઈ નોતિયાર, વિનોદભાઈ ગોર, વિગેરે તેમજ વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દયાપર પીએસઆઈ અંકુશ ગેહલોતએ માહિતી આપી હતી. જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘએ સી.સી. કેમેરા ત્વરિત ચાલુ કરવા મરંમત કરવા તેમજ કેમેરા બજાર અને ભીડ પર નજર રાખવા પોલીસ મિત્રની ગોઠવણી કરવા સૂચના આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer