ભુજમાં 11 સાથે કચ્છમાં વધુ 30 કેસ પોઝિટિવ

ભુજ, તા. 21 : રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણના વધેલા વ્યાપે ઉચ્ચાટ સર્જ્યે છે, ત્યારે રાજ્યમાં ફૂટેલા કોરોના બોમ્બ વચ્ચે કચ્છમાં પણ 49 દિવસ બાદ નવા 30 કેસ નોંધાતાં ઉચાટભરી સ્થિતિનું સર્જન થયું છે. તંત્ર દ્વારા માસ ટેસ્ટિંગ સાથે સર્વેલન્સ વધારતાં આગામી દિવસોમાં કેસનું પ્રમાણ હજુ વધે તેવી ભીતિ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આરોગ્ય વિભાગની યાદી અનુસાર આજે કોરોનાના કેસમાં 30ના મોટા ઉછાળા સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 3081 પર પહોંચ્યો છે. બીજી ઓકટોબરના જિલ્લામાં 31 કેસ નોંધાયા બાદ આજે 49 દિવસના ગાળા પછી ફરી એકવાર નવા કેસનો આંક 30 પર પહોંચ્યો છે. જિલ્લા મથક ભુજમાં કોરોના કેસનો રાફડો ફાટયો હોય તેમ  શહેરમાં એકસામટા 11 સહિત ગ્રામ્ય વિસ્તાર મળી 17 કેસ નોંધાતાં શહેરીજનોને મળેલી રાહત અલ્પકાલીન પુરવાર થઈ હતી. ભુજમાં એક જ દિવસમાં કોરોનાના કેસ છગણા વધતાં તંત્રવાહકો માટે પણ અહીં સંક્રમણના વધેલા વ્યાપે ઉચાટ જગાવવાનું કાર્ય કર્યું છે. શહેરી વિસ્તારમાં નોંધાયેલા 18 કેસમાં ભુજ ઉપરાંત ગાંધીધામના 5 અને રાપરના ર કેસનો સમાવેશ થાય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 12 કેસમાં ભુજમાં 3, અબડાસામાં 3, અંજાર, મુંદરા, નખત્રાણામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. નવા 30 કેસ સામે 16 દર્દીઓ સાજા થતાં સક્રિય કેસ વધીને 212 પર પહોંચી ગયા છે, તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2752 પહોંચી છે. હોટ સ્પોટ બનેલા ભુજમાં કોરોના ચિંતાજનક રીતે વકરતાં તંત્ર દ્વારા નિયમ પાલન સહિત માટે સક્રિય ઝુંબેશ છેડવાની તૈયારી હાથ ધરી દેવામાં આવી છે. જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા ઘટીને 1022 પર પહોંચી હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer