અંજારનું તોરલ સરોવર ગંદકીગ્રસ્ત

અંજારનું તોરલ સરોવર ગંદકીગ્રસ્ત
અંજાર, તા. 30 : એક સમયના ખડિયા તળાવને અંજાર નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે તોરલ સરોવર નામ અપાયું ત્યારે શહેરીજનોને અપેક્ષા હતી કે સરોવરની યોગ્ય સફાઇ અને જાળવણી થકી આ તળાવ સ્વચ્છ અને નિર્મળ બનશે. સતી તોરલના પવિત્ર નામ પરના આ સરોવરને અંજાર સુધરાઇએ નિરર્થક ઠેરવ્યું છે. આજે હાલત એવી છે કે લાખો રૂપિયાના ધુમાડા બાદ સરોવરની દશા અત્યંત દયનીય છે. બ્યુટીફિકેશનની કામગીરી કરાઇ જેમાં હલકી ગુણવત્તાના કામને લઇને ભ્રષ્ટાચારની અનેક ફરિયાદ સુધરાઇના ચોપડે ધૂળ ખાઇ રહી છે. અંજાર સુધરાઇ દ્વારા ન તો ત્યાં યોગ્ય સફાઇની વ્યવસ્થા છે કે ના તો જરૂરી દીવાબત્તીની કોઇ સુવિધા. ઉલટાનું અત્યારે તળાવની આસપાસ બાવળોના ઝૂંડ ઊગી નીકળ્યાં છે. તદુપરાંત તળાવની અંદર પણ?કચરાનું સામ્રાજ્ય ફેલાયું જ છે, જે દિવસે ને દિવસે સરોવરના પાણીને વધુને વધુ દૂષિત કરી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ સાંજના સમયે આ જગ્યાએ અનેક સામાજિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. કચ્છ સાંસદના તળાવ સુધારણા કાર્યક્રમ હેઠળ લાખો રૂપિયાના ખર્ચે તળાવની એકબાજુ દીવાલ ઊભી કરાઇ જે માત્ર?રસ્તે જતા લોકોને તળાવની અંદરની ગંદકી જોતાં અટકાવવાનું જ કામ કરે છે. શહેરના અનેક જાગૃત નાગરિકો / સંસ્થાઓ દ્વારા તોરલ સરોવરની યોગ્ય સફાઇ અને સુવિધા ઉપલબ્ધ?થાય એના માટે સમયાંતરે અનેક ફરિયાદો / રજૂઆતો કરાતી જ રહી છે, પરંતુ જાણકારોનું માનીએ તો સુધરાઇના સત્તાવાળાઓનું શહેરની સમસ્યાઓ પ્રત્યે હંમેશાંથી જ નિરસ અને બેદરકારીભર્યું વલણ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer