ગાંધીધામમાં રેલવે રનિંગ સ્ટાફના દેખાવો

ગાંધીધામમાં રેલવે રનિંગ સ્ટાફના દેખાવો
ગાંધીધામ, તા. 30 : રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા ગાંધીધામ લોબી ખાતે વિવિધ અધૂરી માગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચારો અને ધરણા પ્રદર્શન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ફરજ બજાવતો  રનિંગ સ્ટાફ  વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાયો હતો. રનિંગ સ્ટાફની વિવિધ માંગ સંદર્ભે રેલ પ્રશાસન દ્વારા કોઈ ઉકેલ ન લવાતાં ઓલ ઈન્ડિયા લોકો  રનિંગ સ્ટાફ  એસોસીએશન દ્વારા સમગ્ર દેશમાં બ્લેક-ડે ઊજવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સંગઠનની ગાંધીધામ શાખા દ્વારા પણ ક્રૂ લોબી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ગાંધીધામ ક્રૂ લોબી ખાતે કાર્યરત સેકડો રનિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી પહેરી પ્રશાસન સામે વિરોધ વ્યકત કરાયો હતો. જ્યારે લોબી ઉપર હાજર સ્ટાફ દ્વારા ગગનભેદી સૂત્રોચ્ચારો કરી પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. રેલવેનું ખાનગીકરણ, કંપનીકરણ બંધ કરવું, રૂા. 43,600ના બેઝિક ઉપર રાત્રિ ડયુટી ભથ્થુ લાગુ કરવામાં આવે, લોકો પાઈલટ માટે લાઈન બોકસ પુન: શરૂ કરવામાં આવે, આર.એ.સી. 1980ના સમાધાન મુજબ કિલોમીટર એલાઉન્સ રેટ લાગુ કરવામાં આવે, ડી.એ.ને લાગુ કરવા સહિતની અધૂરી માગણીઓ  અંગે રેલ પ્રશાસન સમક્ષ વખતોવખતની રજૂઆતો છતાં કોઈ નિવેડો આવતો નથી. પ્રશાસનને ઢંઢોળવા સંગઠન દ્વારા સમગ્ર ભારતીય રેલવેમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતુ. ગાંધીધામ ખાતેના કાર્યક્રમમાં અનિશ કુમાર, રામહરિ મીના, મુનીરામ મીના, રાજેશ આર., રાજકુમાર મીના, તિલારામ, કમલેશ મીના તેમજ તમામ લોકો પાઈલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટ જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer