ગાંધીધામમાં ઈદની થઈ અનોખી ઉજવણી

ગાંધીધામમાં ઈદની થઈ અનોખી ઉજવણી
ગાંધીધામ, તા. 30 : ઈત્તેહાદુલ મુસ્લેમિન હિંદ દ્વારા ઈદે મિલાદની વિવિધ સેવાકીય કાર્યો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાના આર્થિક સહયોગથી 12 વિકલાંગોને ટ્રાઈસીકલ અને મહંમદ આગરિયા તરફથી 12 વોકર જરૂરિયાતમંદ પરિવારને આપવામાં આવ્યાં હતાં. ભુજના બન્ની વિસ્તારના 6, અબડાસા, ગાંધીધામ અને અંજાર વિસ્તારના બે બે લાભાર્થીઓને ટ્રાઈસીકલ અને વોકર આપવામાં આવ્યાં હતાં. ઈસ્લામના મહાન પયગંબર સાહેબનો જન્મ ઈસ્લામી મહિનો રબીઉલ અવલની 12 તારીખે થયો હતો. જેથી 12 તારીખની નિસબતથી 12 જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવી હતી. શ્રી રાયમાએ જણાવ્યું હતું કે મહાન પયગંબર સાહેબને ગરીબો પ્રત્યે બેહદ લાગણી અને પ્રેમ હતો. તેઓ હંમેશાં ગરીબોની મદદ કરતા હતા.  એમના જન્મદિવસે અમો વિકલાંગને દાન નથી આપતા, સપ્રેમ ભેટ આપીએ છીએ અને એ ભેટ સ્વીકાર કરનારા તમામનો આભાર માનીએ છીએ તેવું કહી આજનો દિવસ સમગ્ર દુનિયામાં ઈન્સાનીયતની આઝાદીનો  દિવસ છે તેવું કહ્યું હતું. આયોજનમાં રફીક બારા, શાહનવાઝ શેખનો પણ સહયોગ સાંપડયો હતો. મૌલાના ઈલિયાસ ખત્રી, મૌલાના આબેદુજાના, નૂરમામદ રાયમા, સાદીક રાયમા, શકુર માંજોઠી, સલીમ રાયમા વિગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer