સળંગ 12મું હૃદય પ્રત્યારોપણ સફળ બનાવતા સિમ્સના ડો. ધીરેન શાહ

સળંગ 12મું હૃદય પ્રત્યારોપણ સફળ બનાવતા સિમ્સના ડો. ધીરેન શાહ
કેરા, તા. ભુજ, તા. 30 : ન માત્ર ભારત પણ વિશ્વના ખ્યાતનામ કાર્ડિયોલોજી પેનલમાં સ્થાન પામનારા સર્જન ડો. ધીરેન શાહે સળંગ 12મું હૃદય પ્રત્યારોપણ સફળ બનાવ્યું છે. ગુરુવારે સર્જરી કરાઈ હતી. એક પછી એક અત્યાધુનિક હાર્ટસર્જરીઓ અને નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દર્દીઓને નવજીવન આપવાની ગૌરવવંતી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. તાજેતરમાં કોરોના વાયરસે આરોગ્ય પરિવેશને નિરાશામાં ધકેલ્યો છે. તેવામાં અ'વાદની સિમ્સ હોસ્પિટલના કાર્ડિયાક પેનલના ડો. ધીરેન શાહે હૃદય સારવારમાં નવી આશા જગાવી છે. ગુરુવારે 43 વર્ષીય પુરુષ દર્દીના હૃદયની જગ્યાએ 27 વર્ષીય નવયુવાનનું હૃદય ધબક્યું હતું. ડો. ધીરેન શાહે અંગ પ્રત્યારોપણની પ્રેરણા આપી હતી. અકસ્માતમાં બ્રેઈન ડેડ યુવાનના પરિવારજનોએ દેહદાનનો નિર્ણય લીધો હતો. જેમાં ફેફસાં એચ. કે. હોસ્પિટલ, મુંબઈ, લિવર અને કિડની આઈ. કે. ડી. હોસ્પિટલ અ'વાદને અપાયાં હતાં. એક વ્યક્તિનાં અંગ પાંચ જીવને કામ લાગ્યા હોવાનું જણાવતાં મૂળ કચ્છી ડો. ધીરેન શાહે કચ્છમિત્ર સાથે ખાસ વાતચીતમાં કહ્યું, ગ્રીન કોરિડોર બનાવી સુરતથી અ'વાદ 90?મિનિટમાં હૃદય હવાઈ માર્ગે લવાયું હતું. આવનાર ભવિષ્યમાં માદરે વતન કચ્છમાં હૃદય પ્રત્યારોપણ કરવાની આ બાહોશ તબીબે લાગણી વ્યક્ત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer