છેવાડાના ગામોમાં ભાજપ સરકારે કામો કર્યાં

છેવાડાના ગામોમાં ભાજપ સરકારે કામો કર્યાં
નખત્રાણા, તા. 30 : અબડાસા વિધાનસભા પેટાચૂંટણીમાં પ્રદેશના મોટા માથા, નેતાઓ સભા ગજવવા આવી રહ્યા છે. ઉમેદવારો લોકસંપર્કમાં વ્યસ્ત છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાનો અને ભાજપનો વિજય નિશ્ચિત છે તેવા દાવા સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા હતા. અબડાસાના ગામોમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. તાલુકાના વાડાપદ્ધર, ફુલાય, ભોઆ, જેઠમલપર, રામપર (અ), બુટા, જંગડિયા, ગોયલા, વલસરા-ઉકીર, વાયોર, વાગોઠ, મોટી બેર, ગોલાય, ચરોપડી મોટી, મોરાડી, છસરા, લૈયારી વગેરે ગામોનો પ્રવાસ કર્યો હતો. ગામેગામ તેમનું અભિવાદન સાથે લોકો વિકાસશીલ રાજ્યની ભાજપની સરકાર સાથે રહી તેમની સાથે રહી તેમને મતો આપી વિજય અપાવવાની ખાતરી સાથે વિશ્વાસ અપાવ્યો હતો. છેવાડાના આ વિસ્તારમાં ભાજપ સરકાર દ્વારા રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણના જે કામો થયા છે લોકો સારી રીતે વાકેફ છે. કોસ્ટલ હાઈવે પર જે ઔદ્યોગિક વિકાસ થયો તેના કારણે લોકોને રોજગારી સાથે તેમના જીવનમાં બદલાવ આવ્યો છે તેવું કહેતાં પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વધુને વધુ વિકાસ થાય તેવા દૃઢ સંકલ્પથી પોતે ભાજપમાં જોડાઈ વિકાસશીલ અબડાસાના સંકલ્પ સાથે આપ મને ખોબે ખોબે મત આપી તા. 3/11ના કમળના નિશાન પર બટન દબાવી જંગી લીડથી જીતાડશે તેવી અપીલ કરી હતી. વધુમાં હવે પ્રજા જાગૃત છે. પોતાનું તેમજ વિસ્તારનું હિત શેમાં છે તે જાણે છે.  કોંગ્રેસ માત્ર ને માત્ર જૂઠા વચનો આપી છેવાડાના આ વિસ્તારમાં પોતાના શાસનમાં કાંઈ કરતાં કાંઈ કર્યું નથી ત્યારે હવે અબડાસાની પ્રજા ભાજપ સાથે રહી સરકારમાં ભાગીદારી કરવા કટિબદ્ધ છે અને તેના માટે તેમનો વિજય નિશ્ચિત છે સાથે લોકોએ તેમને બહુમતીથી જીત અપાવવા કોલ આપ્યો હતો. આ લોકસંપર્ક પ્રવાસના કાર્યક્રમમાં માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ઉમરશીભાઈ ભાનુશાલી, મહેશાજી સોઢા, કાદરછા બાબર, પરેશભાઈ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, રાજુભા જાડેજા સહિત ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ ગામેગામના અગ્રણીઓ, સરપંચો, ગ્રામજનો જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer