આદિપુરની છાત્રાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી

આદિપુરની છાત્રાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી
ગાંધીધામ, તા. 30 : આર્કિટેક્ચર એન્જિનીયરિંગ અને ફેશન ડિઝાઈનિંગની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષામાં આદિપુરની સંસ્થાની વિદ્યાર્થિનીઓએ  રાષ્ટ્રીય કક્ષાએ   ઉજ્જવળ દેખાવ કરી કચ્છનું નામ રોશન કર્યું છે. વિઝ્યુઅલ પેલેટ ડિઝાઈન સ્ટુડિયોની  વિદ્યાર્થિની અનુષ્કા સંજય બારોટે પ્રવેશ પરીક્ષામાં દેશભરમાં 17મો ક્રમાંક અને અને ગુજરાત એ.સી.પી.સી.માં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે. બેચલર ઈન ઈન્ટિરિયર ડિઝાઈનની પ્રવેશ પરીક્ષામાં દેશભરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનારી અનુષ્કાને સી.ઈ.પી.ટી. કોલેજ દ્વારા 100 ટકા સ્કોલરશિપની પણ પ્રસ્તાવના આપવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ટિરિયર ડિઝાઈનની પ્રવેશ પરીક્ષામાં જેની મનીષ મહેતા દેશભરમાં ચોથા ક્રમાંકે અને નાટામાં દેશભરમાં 37માં ક્રમાંકે, જ્યારે ખુશાલી બલદાણિયાએ ઓલ ઈન્ડિયા એ.સી.બી.સી.માં બીજો ક્રમ હાંસલ કરી માતા-પિતાનું  સ્વપન પૂર્ણ કર્યું હતુ. તેણીએ નાટામાં પણ સારા ગુણાંક મેળવી નિરમા કોલેજ અમદાવાદ ખાતે પ્રવેશ પ્રસ્તાવિત છે.  આ ઉપરાંત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન  ટેકનોલોજીની પ્રવેશ પરીક્ષામાં પણ સંસ્થાની વિદ્યાર્થિનીઓનો સારો દેખાવ રહ્યો હતો. 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય  છે, તેમાંથી 1100 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હોય છે, તેમાં ગાંધીધામના વિદ્યાર્થીઓએ પસંદગી પામી મેદાન માર્યું હતું. આંગી વિજય મહેતાએ ફેશન કોમ્યુનિકેશનમાં  અને સ્નેહીતા ટેકુમુલ્લાએ ફેશન ડિઝાઈનિંગમાં વિશ્વસ્તરે પ્રખ્યાત એન.આઈ.એફ.ટી.  કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. કોરોનાકાળમાં પ્રવેશ પરીક્ષાઓ કપરી બની છે ત્યારે વિવિધ પ્રવેશ પરીક્ષાનું માર્ગદર્શન આપતી સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ દેખાવ કરી કચ્છનું  રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. સંસ્થાના વડા જાગૃતિ જેમ્સ ઠક્કરે આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સચોટ માર્ગદર્શન અને કાર્યક્ષેત્રના અવકાશની જાણકારી મળે તો કચ્છના છાત્રો ખૂબ આગળ વધી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer