કરોડોના સોદા પછી પેટાચૂંટણી આવી

કરોડોના સોદા પછી પેટાચૂંટણી આવી
કોઠારા, તા. 30 : અબડાસા વિધાનસભાની ચૂંટણી અનુસંધાને રાષ્ટ્રીય અ.જા. અધિકાર મંચની જનજાગૃતિ સભા યોજાઈ. વડનારના ધારાસભ્ય અને રાષ્ટ્રીય અ.જા. અધિકાર મંચના સંયોજક જિજ્ઞેશ મેવાણીએ ગરીબો અને શોષિતો, વંચિતની લડાઇ આખા દેશમાં છે. આ પેટાચૂંટણીમાં કરોડો રૂપિયાના સોદા થયા ત્યારે આવી છે એમ જણાવીને આક્ષેપો કર્યા હતા. જેમણે ઇમાન-જમીર વેચી નાખ્યા છે. આ સરકાર પાસે લોકરક્ષક, આંગણવાડી, આશાવર્કર, જી.આર.ડી. જેવા અનેક નાના કર્મીઓને આપવા રૂપિયા નથી ને નેતાઓને ખરીદવા કરોડો છે. અબડાસાનું નાક કાપ્યું છે એ જનતા તેનું નાક કાપે. જ્યાં વધારે મલાઇ મળે ત્યાં જાય છે. તેમણે ભાજપની સરકારને વોશિંગ મશીન ગણાવીને કહ્યું હતું કે પવનચક્કી, બોક્સાઇટની મંજૂરી રાતોરાત મળી જાય છે. સ્થાનિક લોકોને નોકરી આપવામાં કંપની આનાકાની કરે છે એ જનતાએ પોતાના અપમાનનો બદલો લેવાનો છે. આવા લોકોને મૂકશો નહીં તેવી અપીલ કરી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવજી ધેડાએ જણાવ્યું કે, દરેક વખતે આપણે `મામા' બનીએ છીએ. આપણી ગૌચર જમીન પણ ખાઇ ગયા છે. હવે સમય આવ્યો છે મત વડે જવાબ આપજો. કાર્યક્રમમાં કમલેશ કટારિયા, જગદીશ ચાવડા, હિતેશ પરમાર, કચ્છ જિલ્લા અ.જા. અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા, વિશ્રામ ગોરડિયા, નાગશી પીંગલ, અ.જા. અધિકાર મંચના પ્રમુખ રઝાક ઉઠાર, મંત્રી જગદીશ ધેડા, ઇકબાલ જત, રાજેશ મહેશ્વરી, વિશ્રામ ગોરડિયા, હમીદ ખલીફા વિગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer