કોરોનાથી બચવા શું કરવું એ બાબતે પ્રદર્શન યોજાયું

કોરોનાથી બચવા શું કરવું એ બાબતે પ્રદર્શન યોજાયું
ભુજ, તા. 30 : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-ભુજના સંયુક્ત ઉપક્રમે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-3, વ્યાયામશાળા ભુજ ખાતે કોવિડ-19 જનજાગૃતિ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન પરિસ્થિતિમાં જે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે અને સમગ્ર લોકો જ્યારે કોરોના રોગથી ડરી રહ્યા છે એ તમામ લોકોમાં જાગૃતતા આવે અને આ રોગથી બચવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી એ માટે કોરોના અને આપણે, માસ્ક ઓન સ્માઇલ અને કોવિડ-19 અંગે પોસ્ટર પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આપણા રોજિંદા જીવનમાં કામ કરવા, ઓફિસે, બજારમાં જતી વખતે અથવા ઘરકામ કરતી વખતે કેવી રીતે સાવચેતી રાખવી, કેવું માસ્ક પહેરવું ? માસ્ક કેટલા સમય સુધી પહેરી રાખવું ? માસ્કને સાફ કેવી રીતે કરવું ? માસ્ક વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર પ્રવીણ મહેશ્વરીએ કર્યું હતું. આરોગ્ય શાખાના જિલ્લા પંચાયતના સહયોગથી જુદી જુદી જાહેર જગ્યાઓ તેમજ જુદા જુદા ગામડાઓમાં આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer