આદિપુરમાં ખુલ્લી ગટરમાં વાહનો ફસાઈ જતાં લોકોમાં નારાજગી

આદિપુરમાં ખુલ્લી ગટરમાં વાહનો ફસાઈ જતાં લોકોમાં નારાજગી
ગાંધીધામ, તા. 30 : આ નગરમાં પાયાની સુવિધાઓ પૂરી પાડતી નગરપાલિકા મૂળભૂત સવલતો આપવામાં નિષ્ફળ ગઈ હોવાના અનેક કિસ્સાઓ અને રજૂઆતો સમયાંતરે ધ્યાને આવી છે. તેવામાં આદિપુરમાં ખુલ્લી  ગટરને કારણે  વાહનો તેમાં ખાબકતાં હોવાની બૂમ પડી છે.આ પંચરંગી સંકુલના  વિભિન્ન  વિસ્તારોમાં  ઊભરાતી ગટરોએ નાગરિકો માટે  આરોગ્યલક્ષી જોખમ ઊભું કર્યું છે. તેમજ ઢાંકણાં વિનાની ગટરોને કારણે અબોલ  પશુઓ અને   લોકો  તેમાં પડી જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. તાજતેરમાં આદિપુરના સંતોષીમાતા મંદિર પાસે આવેલી ખુલ્લી ગટરને કારણે છેલ્લા બે દિવસમાં બે ચાર ચક્રીય  વાહનો તેમાં ધબાય નમ: થયાં હોવાનું સ્થાનિકોએ કહયું હતું. આગામી દિવસોમાં પણ આ ગટર મોટો અકસ્માત  સર્જશે તેવી  ભીતિ પણ લોકોએ વ્યકત કરી હતી. ખુલ્લી ગટરની સમસ્યા સંદર્ભે પાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી સમયની માંગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer