ક્રિસની કમાલ એળે; રાજસ્થાન જીતી

અબુધાબી, તા. 30 : બેન સ્ટોક્સની અર્ધસદી અને સેમસન (48)ની બળૂકી બેટિંગના બળે કિંગ્સ ઇલેવન પંજાબ સામે સાત વિકેટે જીતીને રાજસ્થાન રોયલ્સે પ્લે ઓફના દ્વાર બંધ થતાં રોક્યા હતા. 15 દડા બાકી હતા ત્યારે માત્ર ત્રણ વિકેટ ખોઇને રાજસ્થાને 186 રનનું પડકારરૂપ લક્ષ્ય આંબી લીધું હતું. આજે પંજાબ વતી વિસ્ફોટક બેટિંગ કરતાં 99 રન ઝૂડી દેનાર ક્રિસ ગેલે ટી-20 સ્વરૂપમાં એક હજાર છગ્ગા ફટકારનાર પ્રથમ બેટધર બનવાનો વિક્રમ સર્જ્યો હતો. સ્ટોક્સે 26 દડામાં છ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 50, સેમસને 25 દડામાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 48 રન ઝૂડી દીધા હતા. અણનમ રહેલા સુકાની સ્મિથે 20 દડામાં પાંચ ચોગ્ગા સાથે 31, બટલરે 11 દડામાં 1 ચોગ્ગા, બે છગ્ગા સાથે 22 રન કરીને ટીમને જીતનાં દ્વારે પહોંચાડી દીધી હતી. અગાઉ રાજસ્થાને ફિલ્ડિંગ પસંદ કરી હતી. યુનિવર્સ બોસ ક્રિસ ગેલના 8 ગગનચુંબી છગ્ગાથી આતશી 99 રનની મદદથી 20 ઓવરના અંતે 4 વિકેટે 18પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ગેલ ઇનિંગ્સની આખરી ઓવરના ચોથા દડે આર્ચરના દડામાં બોલ્ડ થયો હતો. આથી તે માત્ર એક રને સદી ચૂકી ગયો હતો. ગેલે ફરી એકવાર રનની આતશબાજી કરીને 63 દડામાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાથી 99 રન કર્યાં હતા. ગેલે તેની આ ઇનિંગ્સ દરમિયાન ટી-20 ફોર્મેટમાં 1000 છગ્ગા ફટકારનારો ગેલ વિશ્વનો પહેલો બેટધર બન્યો હતો. પંજાબની શરૂઆત નબળી રહી હતી. 1 રને મનદીપ આઉટ થયા બાદ સુકાની રાહુલ અને ગેલ વચ્ચે બીજી વિકેટમાં 82 દડામાં 120 રનની ધસમસતી ભાગીદારી થઇ હતી. રાહુલ 41 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાથી 46 રને આઉટ થયો હતો. જ્યારે પુરને 10 દડામાં 3 છગગાથી ઝડપી 22 રનનું યોગદાન આપ્યું હતું. મેકસવેલ 6 અને હુડ્ડા 1 રને નોટઆઉટ રહ્યા હતા. રાજસ્થાન તરફથી આર્ચર અને સ્ટોકસે 2-2 વિકેટ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer