મુંબઇ સામે દિલ્હીનો કરો યા મરો સમાન મુકાબલો

દુબઇ, તા.30: વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, પણ દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ શનિવારે મુંબઇની ટીમ જરા પણ હળવાશથી આ મેચને લેશે નહીં. કારણ કે તેનું લક્ષ્ય ટોચની ટીમ રહીને પ્લેઓફમાં પહોંચવાનું છે. જેથી ફાઇનલ માટે બે તક મળી રહે. ચેન્નાઇની ટીમે ગુરૂવારના મેચમાં કોલકતાને હાર આપીને મુંબઇની પ્લેઓફની સ્થિતિ સાફ કરી દીધી હતી. મુંબઇના 16 પોઇન્ટ છે અને નેટ રનરેટ પણ સારો છે. તેનું ટોચની બે ટીમમાં બની રહેવું લગભગ પાકું છે. પંજાબ, કોલકતા અને હૈદરાબાદ સામેની સતત ત્રણ હાર છતાં દિલ્હીની ટીમ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. આ પરાજયથી દિલ્હીની આંખ ખુલી ગઇ હશે કે ટુર્નામેન્ટના કોઇ પણ તબકકે ઢીલ કરવી મોંઘી પડી શકે છે. દિલ્હીને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા એક જીતની જરૂર છે. તેના આખરી બે મેચ આસાન બની રહેશે નહીં. તેનો સામનો ટોચની બે ટીમ મુંબઇ અને બેંગ્લોર સામે થવાનો છે. જો દિલ્હી તેના આખરી બે મેચ ગુમાવશે તો તે કદાચ પ્લેઓફમાંથી બહાર પણ થઇ શકે છે. આવતીકાલના મુકાબલામાં કાગળ પર મુંબઇની ટીમ વધુ મજબૂત નજરે પડી રહી છે. નિયમિત સુકાની રોહિત શર્મા અનફિટ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer