ભોરારા પાસે છરી વડે જીવલેણ હુમલો કરવા સાથે ટ્રેઇલરચાલક પાસેથી 13 હજારની લૂંટ

ભુજ, તા. 30 : મુંદરા તાલુકામાં ભોરારા નજીક ટ્રેઇલરમાં ચડી ગયેલા બે અજ્ઞાત યુવાને મૂળ રાજસ્થાનના વતની ચાલક શાહરુખ કાલુ ખાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરીને તેની પાસેથી રૂા. 13 હજારની માલમતાની લૂંટ ચલાવતાં કાયદાના રક્ષકો જબ્બર દોડધામમાં પડી ગયા છે. ગળા  અને પેટમાં ગંભીર ઇજાઓ પામેલા ચાલકને સારવાર માટે દવાખાને ખસેડાયો છે, જ્યાં તેની હાલત નાજુક બતાવાઇ રહી છે. સૈરાષ્ટ્રના મોરબીથી ટાઇલ્સ ભરીને તેને મુંદરા અદાણી બંદર ઉપર પહેંચાડવાનું કામ સંભાળતી ગાંધીધામની ગોપી લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢીનું જી.જે.12-બી.ટી.-3732 નંબરનું ટ્રેઇલર હંકારી મુંદરા ભણી જઇ રહેલા શાહરુખ ખાન સાથે આજે પરોઢિયે આ ઘટના બની હતી. પોલીસ દફતરેથી મળેલી માહિતી મુજબ ગાંધીધામ-મુંદરા ધોરીમાર્ગ ઉપર ભોરારા ચોકડી પાસે ટ્રાફિકના હિસાબે શાહરુખે તેનું ટ્રેઇલર ધીમું પાડયું ત્યારે તેમાં અંદાજિત 25થી 30 વર્ષની વયના ટી-શર્ટ પહેરેલા બે અજાણ્યા યુવાન ચડી આવ્યા હતા. આ વાહન આગળ વધીને ભોરારા પાટિયા પાસે પહેંચ્યું ત્યારે બન્ને અજાણ્યા યુવાને છરી વડે હુમલો કરીને ગળા અને પેટમાં ઘા મારી શાહરુખને લોહીલુહાણ કરી નાખ્યો હતો. તેની પાસેથી રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા. 3000 રોકડા મળી આરોપીઓ 13 હજારની માલમતા લૂંટીને પલાયન થઇ ગયા હતા. ધોરીમાર્ગ ઉપર ટાઇલ્સનું પરિવહન કરીને અન્ય ટ્રેઇલર લઇને આવી રહેલા રમેશકુમાર ભાણરામે ઊભેલા તેની કંપનીના ટ્રેઇલરમાં ચાલકને પડેલો જોયો હતો. આથી તેણે ચાલતી ગાડીએ પાછળ આવી રહેલા કંપનીની અન્ય ગાડીના ચાલક ઇરફાન સુબન કાંઠાતને ફોનથી જાણ કરી હતી. આ પછી કરાયેલી તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ગંભીર ઇજાઓ સાથે લોહીલુહાણ મળેલા શાહરુખને તાબળતોબ દવાખાને ખસેડી બાદમાં વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો. ઇરફાન કાંઠાતે બનાવ બાબતે અજ્ઞાત આરોપી સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો.  પોલીસ સાધનોએ આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે બનાવ બાદ પ્રાથમિક તપાસમાં નજીકમાં ઝાડીમાંથી લૂંટી જવાયેલા ઓપો કંપનીના ફોનનું પૂઠાનું બોકસ અને શાહરુખનો થેલો મળી આવ્યા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચોમેર દોડધામ અવિરત રાખી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer