પાટીદાર સમાજ કેશુબાપાનો સદાય ઋણી રહેશે...

કેરા (તા. ભુજ), તા. 30 : પાટીદાર સમાજ કેશુબાપાનો સદાય ઋણી રહેશે..., ભાજપના ગુજરાત ઉદયમાં બાપા ભીષ્મપિતામહ બન્યા, લોકોએ ગુજરાતના નાથનું બિરુદ આપ્યું, નેતૃત્વ બદલાયું, એક બાજુ વિકાસ અને બીજી બાજુ કેશુબાપાનું સમર્પણ, પાટીદાર સમાજે ગુજરાતના વિકાસ મુદ્દે અલગ નેતૃત્વ સ્વીકાર્યું પણ જ્ઞાતિપુત્ર તરીકે કેશુભાઈનું સ્થાન અકબંધ રાખ્યું છે. કારણ સ્પષ્ટ છે. લેઉવા પાટીદારના સંતાન તરીકે તેમણે લાગણી ક્યારેય તોડી નહીં. ભુજમાં લેવા પટેલ હોસ્પિટલ અને સંકુલના વિકાસ સહિત સમગ્ર લેવા-કડવા સમાજના વિકાસમાં બાપાના આશીર્વાદ રહ્યા છે.કેશુબાપાને ખબર હતી પાટીદાર સમાજ સાર્વજનિક સુખાકારી ઊભી કરશે તો સૌને ખપ લાગશે, આજે ભુજની માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એની સાક્ષી છે. જિલ્લાનું પ્રથમ એમ.આર.આઈ. કેશુભાઈ પટેલની દેન છે. સમય અને સંજોગ નવસર્જનના પાયામાં છે. ભુજ લેવા પટેલ સમાજના આર્ષપુરુષ આર.આર. પટેલના નિખાલસ જીવનથી પ્રભાવિત કેશુબાપાએ સમાજ સંકુલની ભૂમિ અપાવવામાં તત્કાલીન મંત્રી સુરેશભાઈ મહેતાના માધ્યમે યોગ્ય નિર્ણયો લીધા. આ નાતો વખતોવખતના નેતૃત્વે જાળવી રાખ્યો હતો. બાપા સાથે નાઈરોબીના અગ્રણી મૂળજીભાઈ પિંડોરિયા, માધાપરના ગોવિંદભાઈ ખોખાણી, વેલજીભાઈ ભુડિયા સાથે અત્યંત સ્નેહ સંબંધ રહ્યા. આજે ભુજ સમાજ વતી પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયાએ કહ્યું; પાટીદાર સમાજ બહુધા કૃષક છે. અન્ય સમુદાયો પણ ખેતીમાં પ્રવૃત્ત છે. ટ્રેક્ટરની લાઈસન્સ પ્રથા બંધ કરી ખેડૂતનું ગાડું ગણવાની વાત હોય કે વોટર શેડ, ચેક ડેમ, ખાણેત્રા, વીજળી બિલ સહિત અનેક કૃષિલક્ષી નિર્ણયોમાં કેશુબાપાએ ખેડૂતની પીડા સમજી હતી. ચોવીસીનું કેરા ગામ કેશુબાપાને ક્યારેય નહીં ભૂલે. કચ્છમાં ચૂંટણીસભાના શ્રીગણેશ બાપા કેરાથી કરતા, કપિલકોટમાં હેલિકોપ્ટર ઉતરતું, આવતેક ને ગાંઠિયા-ફાફડા આરોગતા. તેઓ એક વાર કુંદનપર પણ આવેલા અને ભોજન લીધું હતું. સરળ, સાદગીસભર વ્યક્તિત્વને પાટીદાર સમાજે સદૈવ આદરભર્યું સ્થાન આપ્યું છે. જ્યારે તેઓ નિજ પક્ષથી દૂર થયા ત્યારે પણ વ્યક્તિગત રીતે ક્યારેય આદર ઓછો થયો નહીં. કેશુબાપા જ્ઞાતીય રીતે સમસ્ત પાટીદારના સ્વીકૃત નેતા રહ્યા. તેમણે જ્ઞાતિના શિક્ષણ-આરોગ્ય પ્રકલ્પને ખૂબ આગળ ધપાવ્યો... પાટીદાર સંસ્થાઓ આજે સમગ્ર ગુજરાતમાં ફૂલીફાલી હોય તો તેના શ્રેયધરોમાં બાપાનું નામ અગ્ર હતું, છે અને રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer