ચોથા વર્ગના કર્મીઓના પડતર પ્રશ્નોના વેળાસર ઉકેલની ધરપત

ભુજ, તા. 30 : કચ્છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોની  જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનેરજૂઆત કરાતાં તેમાં કર્મચારીઓના પ્રશ્નો બાબતે જે શાખા/કચેરીને લગતા પ્રશ્નો અંગે અધિકારીઓની ઉપસ્થિતમાં બેઠક યોજી અને પ્રશ્નોના નિરાકરણ સબબ જરૂરી સૂચના આપી હતી. જે પડતર પ્રશ્નો હતા તેમાં વર્ગ-4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી હિસાબી શાખા દ્વારા પંચાયત હસ્તકની તમામ કચેરીઓને ગણવેશ આપવામાં આવતા તે બંધ કરવામાં આવેલા છે તે પુન: ચાલુ કરવા, વર્ગ-4ના કર્મચારીઓ કે જેઓ મકાન અથવા વાહન લોન લીધેલી હોય તેના મુદ્દલ/વ્યાજ ભરપાઈ કરેલા હોય તેવા કર્મચારીઓને એન.ઓ.સી. આપવા, નિવૃત્ત કર્મચારીઓને જી.પી.એફ., વીમા બાબતે પણ સમયસર રકમ ન મળતા, તાલુકા પંચાયત દયાપરમાં સરકારી કવાર્ટર વર્ષ 2014માં તોડી પાડવામાં આવેલા છે, પરંતુ આજદિન સુધી નવા કવાર્ટર બનાવવામાં આવેલા નથી. જિલ્લા પંચાયતના કર્મચારીઓના વાહનોની સુરક્ષા માટે પાર્કિંગ શેડ અને બંને ગેટ પર સી.સી.ટી.વી. કેમેરા મૂકવા, જેથી કર્મચારીઓના વાહનોની સુરક્ષા રહે. પ્રાથમિક કેન્દ્ર ભાડાઈ તા. માંડવીના વોર્ડબોય ઘણા સમયથી એલ.ટી.સી. ભોગવી આવેલા છે, બિલ અને ટિકિટો પણ રજૂ કરેલા છે છતાં હજુ સુધી રકમ મળેલી નથી. બાંધકામ શાખા હસ્તકના રોજંદારોની નોકરી પેન્શનપાત્ર છે તેમ છતાં તેઓને રજા પગાર પેન્શનની રકમ મળેલી નથી. કોવિડ-19માં ફરજ બજાવતા વોર્ડબોયને ફરજ બાદ ત્રણ દિવસ  કવોરેન્ટાઈન કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને પુન: ફરજ પર હાજર થવાનું થાય છે, ત્યારે સરકારના નિયમોનુસાર તેઓને સાત દિવસ કવોરોન્ટાઈનમાં રાખવા, ત્યારબાદ ફરજ પર હાજર થાય.  આ પ્રશ્નો બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને યોગ્ય કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં મંડળના પ્રમુખ બિપિન ગોર, સંજય રાઠોડ, વીણાબેન ઢાલવાણી, ભાવેશ પંડયા, સિધિક મોગલે પ્રશ્નો રજૂ કર્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી. જે. પ્રજાપતિ, હિસાબી અધિકારી કે. પી. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, આરોગ્ય શાખાના વહીવટી અધિકારી એમ. કે. ગામિત, બાંધકામ શાખાના અ.મ.ઈ. હાર્દિક બગા હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer