અબડાસા અને કરજણ `રેડએલર્ટ'' મતક્ષેત્ર

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી તા.3 નવેમ્બરે યોજાનાર છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય ઉમેદવારો  થઇને કુલ 80 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હી સ્થિત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મસ (એડીઆર) દ્વારા કરાયેલા વિશ્લેષણ પ્રમાણે 80 ઉમેદવારોમાંથી 14 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના 2 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર, ભાજપના 8માંથી 3 ઉમેદવાર, કોંગ્રેસના 8માંથી 2 જ્યારે અપક્ષના 53માંથી 8 ઉમેદવારો સામે ગુના નોંધાયા છે. આમાંથી બીટીપીનો 1 ઉમેદવાર, ભાજપના 2 ઉમેદવાર અને અપક્ષના 4 ઉમેદવાર ઉપર ગંભીર ગુનાની કલમો લાગેલી છે.એડીઆરના સર્વે મુજબ, 8 મતક્ષેત્રમાંથી 2 મતક્ષેત્ર અબડાસા અને કરજણમાં 3થી વધુ ઉમેદવારો ઉપર ગુનાઓ દાખલ થતા તે રેડ એલર્ટ મતક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અબડાસામાં ભાજપ અને 2 અપક્ષ જ્યારે કરજણમાં કોંગ્રેસ, બીટીપી અને અપક્ષ મળીને કુલ 6 ઉમેદવારો થાય છે. આ સર્વે મુજબ 8 બેઠકો ઉપરની પેટાચૂંટણી લડતા 80 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારો પાસે 5 કરોડથી વધુ, 6 ઉમેદવારો પાસે 2 કરોડથી 5 કરોડ, 15 ઉમેદવાર પાસે 50 લાખથી 2 કરોડ, 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જ્યારે 33 ઉમેદવાર પાસે 10 લાખથી ઓછી સંપત્તિ છે. આમ, પેટાચૂંટણી લડતા 80 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.16 કરોડ છે. જેમાં કોંગ્રેસના 8 ઉમેદવારોની સરેરાશ મિલકત 4.38 કરોડ, ભાજપના 8 ઉમેદવારોની સરેરાશ મિલકત 2.52 કરોડ, જ્યારે બીટીપીના 2 ઉમેદવારોની સરેરાશ મિલકત 17.85 લાખ અને 53 અપક્ષ ઉમેદવારોની સરેરાશ મિલકત 70.52 લાખ છે.એડીઆરના સર્વે  મુજબ  અમરેલીની ધારી બેઠક ઉપર અપક્ષ તરીકે ચૂંટણી લડતા પીયૂષભાઇ ઠુમ્મર પાસે 10.80 કરોડ, બીજી બાજુ સૌથી વધુ જવાબદારીઓ ધરાવતા ઉમેદવારમાં અબડાસા બેઠક પરના અપક્ષ ઉમેદવાર પઢિયાર હનીફની 7.20 કરોડ, ધારીના અપક્ષ ઉમેદવાર પીયૂષભાઇ ઠુમ્મરની 10 કરોડ જ્યારે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઇ પટેલની 10 કરોડનો સમાવેશ થાય છે. આ સર્વે મુજબ ચૂંટણી લડતા 80 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણ છે. જ્યારે 20 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ, 3 ઉમેદવારો ડિપ્લોમા, 5 ઉમેદવારો માત્ર સાક્ષર અને 3 ઉમેદવારો નિરક્ષર છે. ભાજપ-કોંગ્રેસે એકપણ મહિલાને ટિકિટ નથી આપી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer