ખારીરોહર નજીકથી તેલ ચોરવા લાવેલા 55 ખાલી કેરબા મળ્યા

ગાંધીધામ, તા. 30 : કંડલાથી ખારીરોહર જતી તેલ કંપનીઓની પાઈપ લાઈન નજીકથી પોલીસે રૂા.1100ના 55 ખાલી કેરબા અને 90 ફૂટ લાંબી એક નળી જપ્ત કરી હતી. તેલચોર ટોળકીનું આ કારસ્તાન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. કંડલા પોર્ટથી ખારીરોહર બાજુ જતી જુદી-જુદી તેલ કંપનીઓની પાઈપ લાઈનમાંથી ચોરીના બનાવો નવા નથી. અહીં અનેક વખત તેલની ચોરી થઈ છે. જેમાં અમુક વખત આરોપીઓ પકડાયા પણ છે. તેમ છતાં અહીં તેલની ચોરી બંધ થવાનું નામ લેતી નથી. કંડલાથી ખારીરોહર બાજુ જતી જુદી જુદી પાઈપ લાઈનના પિલ્લર નંબર 316 પાસેથી પોલીસને ખાલી કેરબા મળી આવ્યા હતા. આ જગ્યા ઉપર કેરબા હોવાની બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી આવી હતી. આ જગ્યાએથી 55 ખાલી કેરબા કિંમત રૂા.1100 તથા 90 ફૂટ લાંબી એક નળી કબ્જે લેવામાં આવી હતી. ખારીરોહર તરફ જતા માર્ગ ઉપર આવેલા આ પિલ્લર નંબરની આસપાસ રાત્રીના ભાગે તેલચોર આવ્યા હોવાની શકયતા દર્શાવાઈ હતી. પરંતુ તેલચોરોને તેલની ચોરી કરવાની તક ન મળતાં તેઓ આ કેરબા મૂકીને નાસી ગયા હતા. જો તેઓ સફળ થાત તો મોટી નુકસાનીની ભીતિ દર્શાવાઈ હતી. આવાં તત્વો ઉપર અંકુશ લગાડવો જરૂરી છે, અન્યથા આવાં તત્વોના કારણે ગાંધીધામ સંકુલને ભોગવવાનો વારો આવી શકે છે. પોલીસે આ કેરબા જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer