હાજીપીર પાસે કંપનીએ પાણી ચોરી કરતાં કડક કાર્યવાહી

ભુજ, તા. 31 : હાજીપીર વિસ્તારમાં મીઠા ઉત્પાદન સાથે કાર્યરત મોટી ખાનગી કંપની દ્વારા પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાંથી પાણી ચોરી થતી હોવાની મળેલી માહિતીના આધારે ગાંધીનગરથી ઉચ્ચ ટીમ આવી હતી અને કડક કાર્યવાહી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. મળેલી માહિતીના આધારે હાજીપીર વિસ્તારમાં મીઠું અને બ્રોમિન જેવા કેમિકલનું ઉત્પાદન કરતી આર્ચિયન કંપની દ્વારા પાઇનલાઇન વડે ગેરકાયદે પાણી ચોરી થતી હતી. પાણી ચોરીની ફરિયાદોના આધારે તંત્રની ટુકડી તપાસ અર્થે આવી હતી, જેમાં સત્યતા જણાતાં તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી લાઇન સીલ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અને આ લાઇન ઉપર દેખરેખ રાખવા 24 કલાક માણસો પણ ગોઠવવામાં આવ્યા છે. તમામ ટીમ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અથવા તો વનતંત્રની હોવાની ચર્ચા છે. કારણ કે આ ગેરકાયદે પાણી લાઇન માટે જંગલ ખાતાની મંજૂરી લેવાઇ નથી. વળી કંપની સાથે સરકારે શરત મૂકેલી છે કે ખારું પાણી મીઠું કરીને ઉપયોગમાં લેશે.  જો કે, આ અંગે પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર અશોક વનરાનો સંપર્ક સાધતાં તેઓ હોસ્પિટલમાં હોવાથી કોઇ વિગતો આપી શક્યા ન હતા. દરમ્યાન આર્ચિયન કંપનીના અધિકારી એ. અનિલકુમારનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, વચ્ચે નોટિસ આવી હતી, પણ પછી કંઇ થયું નથી. બાકી અમારી ચેન્નાઇ ઓફિસમાંથી કાર્યવાહી થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer