આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળવાની રાવ

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છની સરકારી રામબાગ હોસ્પિટલમાં પાયાની સુવિધાના અભાવ  અંગે તેમજ   ગંભીર દર્દીઓને તપાસ વિના જ કોરોના વોર્ડમાં રખાતા હોવા મામલે રાજયના નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી. સવારનો નાસ્તો અને  બપોરે  અને રાત્રે ભોજન આપવામાં આવતું  હતું તે પણ બંધ કરી દેવાયું છે. દીનદયાલ મેડીકલ પણ બંધ  કરી દેવાતા દવાઓ  મળતી ન હોવાના કારણે  ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કોરોના સંદર્ભે સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરાતું ન હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે.  દર્દીઓને કે સગા-સબંધીઓને માટે સેનેટાઈઝીંગની કોઈ વ્યવસ્થા નથી. કોરોના   વોર્ડના બન્ને ગેટ 24 કલાક ખુલ્લા રાખવામાં આવે છે. જેના કારણે હોસ્પિટલમાં આવતા દરેક લોકોને કોરોના સંક્રમણની ભીતિ સતાવી રહી છે. આ બાબતે તપાસ કરાવવા રામજી ગાંગજી ચારણે પત્રમાં અનુરોધ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer