કચ્છમાં ખેતીની નુકસાની બદલ હેક્ટર દીઠ રૂા. 20 હજાર આપો

અંજાર, તા. 30 : ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદમાં અંજાર-ગાંધીધામ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદમાં સી.એમ. કિસાન સહાય યોજના હેઠળ સહાય આપવા કલેક્ટર સમક્ષ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના પરિપત્રના અનુસંધાને કુદરતી આપત્તિમાં ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા કમોસમી વરસાદમાં પાક નુકસાની માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 48 કલાકમાં 50 મી.મી.થી વધારે વરસાદ પડે અને ખેતીના પાકને નુકસાન થાય તે કમોસમી વરસાદ એટલે કે માવઠું ગણવામાં આવે અને તેની મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ 33 ટકાથી 60 ટકા સુધી નુકસાની થાય તો પ્રતિ હેક્ટરે રૂા. 20,000 આપવાની જોગવાઈ છે. જેમાં 4 હેક્ટર સુધી એક ખેડૂતને રૂા. 80,000 આપવા સુધીની જોગવાઈ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ અંજાર તાલુકામાં 78 એમ.એમ. તેમજ ગાંધીધામ તાલુકામાં 65 એમ.એમ. વરસાદ નોંધાયો છે. વાસ્તવિકતામાં આથી પણ વધારે વરસાદ 48 કલાકમાં આ તાલુકાઓમાં તેમજ કચ્છના અન્ય તાલુકાઓમાં વરસાદ પડયો છે. તો અમારી માગણી છે. કે ગુજરાત સરકારની જાહેરાત મુજબ મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ 4 હેક્ટર સુધી રૂા. 80,000ની સહાય ખેડૂત દીઠ ચૂકવવામાં આવે.કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાકમાં ખૂબ જ ભારે નુકસાન થયું છે. ખેડૂતોની મગફળી ઉખડેલાં ખેતરોમાં પડી છે. તૈયાર કપાસના પાકોને અન્ય પાકો ગુવાર, મગ, જુવાર, બાજરી, એરંડા, તલ તમામ પાકોને આ માવઠાંના કારણે ખૂબ જ નુકસાન થયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer