પરંપરાગત મતોનો ઝોક નક્કી કરશે અબડાસા બેઠકનું ભાવિ

પરંપરાગત મતોનો ઝોક નક્કી કરશે અબડાસા બેઠકનું ભાવિ
પ્રફુલ્લ ગજરા અને અંબર અંજારિયા દ્વારા- ભુજ, તા. 25 : થશે કે નહીં થાય અને યોજાશે કે નહીં યોજાય જેવા રાજકીય અનુમાનો અને અટકળો વચ્ચે અંતે આવી પડેલી કુલ્લ આઠ બેઠકની ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાંની એક એવી રાજયનો સૌથી મોટો મત વિસ્તાર ધરાવતી કચ્છની અબડાસા બેઠક અંકે કરવા માટે બરાબરનો રસાકસીભર્યો રાજાકીય જંગ જામી ચૂકયો છે. કોરોના મહામારી થકી લાગુ કરાયેલા પ્રતિબંધાત્મક નિર્ણયો અને સામાન્ય મતદારોની સરાસરી ઉદાસીવાળા માહોલ વચ્ચે પ્રતિષ્ઠાભરી આ બેઠક ઉપર કબજો જમાવવા માટે બન્ને મુખ્ય રાજાકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સીધી મનાતી `લડાઇ'માં નિર્ણાયક મતદારો એવા લઘુમતી સમાજના ત્રણ-ત્રણ ઉમેદવારો પણ સામેલ થતાં રાજકીય માહોલ વધુ રસપ્રદ બની ગયો છે. ભલભલા રાજકીય પંડિતોને પણ ગણતરીમાં `ગોથું' ખવડાવી દે તેવા આ સિનારિયા વચ્ચે એકબાજુ અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી અને તેમને મળનારા પરંપરાગત-જ્ઞાતિગત મતોની સંખ્યાની ગણતરી માંડતા સતાધીશ કેસરીયો પક્ષ જાણે મૂછે તાવ દઇ રહ્યો છે. તો સામાપક્ષે બેઠકના અન્ય નિર્ણાયક અને પરંપરાગત એવા પાટીદાર મતોની સંખ્યાને લઇને કોંગ્રેસે પાટીદાર સમાજના શિક્ષિત-તબીબ ઉમેદવારને મેદાનમાં ઉતારીને મૂછમાં મલકાવાનું શરૂ કરી દીધું છે. એકંદરે આ ચૂંટણીનું પરિણામ પરંપરાગત મતો અંકે કરવા અને તોડવા પર આધારિત બની રહ્યાનું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. - બેઠકનો મિજાજ : નોખી અને અનોખી તાસિર અને મતદારોનો મિજાજ ધરાવતી રાજયની એક નંબરની અબડાસા વિધાનસભા બેઠક માટેની વર્ષ 1962માં યોજાયેલી પ્રથમ ચૂંટણી બાદ આ વખતની પેટાચૂંટણી 15મી ચૂંટણી બની રહી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં નોંધપાત્ર અને નવતર પાસું એ બની રહ્યું છે કે કોઇ ઉમેદવાર સતત બે વખત આ બેઠક ઉપર વિજયશ્રીને વર્યો નથી. આ પરંપરાનો પરચો ભલભલાં માથાં અનુભવી ચૂકયાં છે. 62મા સ્વતંત્ર પક્ષે આ બેઠક અંકે કર્યા બાદ અત્યાર સુધી 10 ચૂંટણીઓ કોંગ્રેસે અને ત્રણ ચૂંટણી ભાજપે જીતી છે. આ સ્થિતિમાં પરંપરાગત રીતે મનાતી કોંગ્રેસની આ બેઠક ઉપર છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ વતી ઉમેદવારી કરનારા પ્રહ્યુમનાસિંહ મહિપતાસિંહ જાડેજા વિજયી બન્યા હતા. પણ અઢી વર્ષ બાદ તેમણે પક્ષ બદલવા સાથે પંજાનો સાથ છોડીને કમળની પાંખળીઓ વચ્ચે સામેલ થવા સાથે રાજીનામું આપી દેતા અબડા અડભંગની ભૂમિ ઉપર ફરી એકવાર પેટા ચૂંટણીના સ્વરૂપમાં રાજકીય શતરંજ મંડાઇ છે. ઘોડાની અઢી ડગલાંની અને વજીરની ચોમેર ચાલના શતરંજી રાજકીય માહોલનો દોર છેલ્લી પાંચેક ચૂંટણઓની જેમ આ વખતે પણ બરકરાર રહેવાના કારણે સામ, દામ, દંડ અને ભેદના માહોલ વચ્ચે પેટા ચૂંટણી પ્રતિષ્ઠાની સાથોસાથ રસાકસીભર્યું સ્વરૂપ પણ ધરી ચૂકી છે. જેમાં એકબાજુ સત્તાપક્ષ ભાજપ પાર્ટી અને ઉમેદવારે કરેલા કામો અને વિકાસના નારા જીતના ઘડવૈયા બની રહેશે તેમ કહે છે. જયારે કોંગ્રેસ ઉમેદવારની પક્ષપલ્ટા સાથેની છાપ અને એન્ટિ ઇન્કમસી જેવા મુદાઓ સાથે શિક્ષિત ઉમેદવાર સાથેનો માહોલ વિજય અપાવશે તેવું કહી રહી છે. આ વચ્ચે ત્રીજા પરિબળ તરીકે ઊભા રહેનારા અપક્ષો પણ પરંપરાગત સામાજિક મતોને લઇને અકલ્પનીય પરિણામ લઇ આવવાનો વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે. - પરંપરાગત મતદારો પર મદાર : શનિવારે કચ્છમિત્રએ લખપત, અબડાસા અને નખત્રાણા એમ ત્રણેય તાલુકાને સાંકળતા આ વિધાનસભા મત વિસ્તારના કરેલા પ્રવાસ દરમ્યાન મળેલા સામાન્ય મતદારોથી લઇને રાજકારણના માહિર માથાઓએ પોતપોતાની ગણતરી પેશ કરી હતી. ઓવરઓલ સામાન્ય મુદો પરંપરાગત અને જ્ઞાતિગત મતદારો ઉપર નિષ્કર્ષના સ્વરૂપમાં સપાટીએ આવતો સંભળાયો હતો. કુલ્લ મતદારો પૈકીના અંદાજિત 33 ટકા લઘુમતી મતદાતાઓ ઉપરાંત અનુ.જાતિ, પાટીદાર અને ક્ષત્રિયોની નોંધનીય ટકાવારી ધરાવતા મતો જ અંતે નિર્ણાયક બનવાની સાફ વાત આ ગુફતેગુ દરમ્યાન સાંભળવા મળી હતી. સત્તાધારી પક્ષ માટે પ્રતિષ્ઠા અને ઊભયપક્ષ કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનારી આ વચગાળાની ચૂંટણીમાં આવા પરંપરાગત મતોને તોડવાની કે અંકે રાખવાની કામગીરી જ અંતે વિજયને વરનારને `જો જીતા વહી સિકંદર'નું બિરૂદ આપશે તેવો સૂર મત વિસ્તારમાંથી સાંભળવા મળ્યો હતો. - રાજકીય દાવપેચ  : અબડાસામાં બેઠક માટે હરહંમેશ નિર્ણાયક બનતા આવતા લઘુમતી સમાજના મતદારોની ત્રીજાભાગની સંખ્યાને લઇને આ સમુદાયના મતો ડાયવર્ટ કરવા માટે સત્તાપક્ષના ઇશારે અપક્ષ મુસ્લિમ ઉમેદવારની સોગઠી ગોઠવીને પાસો ફેંકાયાના અને આ માટે કેસકબાલામાં ફિટ કરાવી દેવાની ધમકી સાથે મોટી સોદાબાજીના આરોપ મુકાઇ રહ્યા છે. આ માહોલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર પણ છવાયેલો જોવા મળી રહ્યો છે. તો છેલ્લા બે દાયકાથી અબડાસા બેઠક માટે હમેંશાં પોતાની અલગ અને આગવી વિચારસરણી સાથે જાળ બિછાવતા આવતા માજી ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલી હત્યાકેસના આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠકકર (ડુમરાવાળા)નું ચૂંટણીના સમયે જ વચગાળાના જામીન સાથે જેલમાંથી બહાર આવવું ભારે સૂચક મનાઇ રહ્યું છે અને તેના પડઘા છેક રાજય સ્તરે પડી ચૂકયા છે. તો સામાપક્ષેથી કોંગ્રેસ તેમના ધારાસભ્ય સામાપક્ષે ચાલ્યા ગયા તેને પણ કંપનીઓના કામો હસ્તગત કરવા સાથેની મોટી સોદાબાજી સાથે મૂલવી રહી છે. અલબત્ત સબંધિતો આવા આરોપ અને આક્ષેપોને નકારી રહ્યા છે. આ સમગ્ર સ્થિતિ જોતા પેટા ચૂંટણીનું પરિણામ અનેક માથાઓ માટે પણ ભવિષ્ય ઘડનારું પરિબળ બની રહેવાનો મત વ્યકત થતો જોવા મળ્યો હતો. - વિસ્તારની નોખી-અનોખી તાસીર... : ગુજરાત રાજ્યની કુલ 182 બેઠક પૈકીની આ સૌથી મોટી બેઠક પર ઊભતો ઉમેદવાર એકવાર તો ચૂંટાઇ આવતો હશે, પરંતુ બીજીવાર કદી ચૂંટાતો નથી તેવી હકીકતનો 1962ના વર્ષથી અર્થાત 58 વરસથી ઇતિહાસ સાક્ષી છે. કોંગ્રેસ વતી લડીને પહેલીવાર લડેલો જંગ જીતી ગયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ અધવચ્ચે જ રાજીનામું આપી દેતાં અઢી વર્ષમાં  જ પેટા ચૂંટણી આવી પડી છે ત્યારે બંને પરંપરાગત હરીફ પક્ષોએ  સત્તાની શતરંજમાં જીત મેળવી લેવાની કવાયતરૂપે વ્યવસ્થિત સોગઠી ગોઠવી છે. નોખી-અનોખી તાસીરના કારણે અન્ય વિસ્તારોથી અલગ તરી આવતા અબડાસા વિધાનસભા વિસ્તારમાંથી મોટાભાગે કોઇને કોઇ પક્ષ આ વિસ્તારની બહારના ઉમેદવાર ઉતારીને વિધાનસભામાં મોકલવાનો વ્યાયામ કરતો હોવાનું પણ સર્વવિદિત છે જ. તેમાં પણ કોંગ્રેસે તો આવા અનેક અખતરા કર્યા છે. આ વખતે પણ પહેલીવાર ચૂંટણીમાં નવા ઉમેદવારને ઉતાર્યા છે,  ત્યારે અબડાસાની જનતા બીજીવાર ઉમેદવારને ચૂંટતી નહીં હોવાની પરંપરા જળવાશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસે ફરી બેઠક કબ્જે કરવા માટે આ પગલું ભર્યું હોવાની પણ ધારણા ચર્ચાઓમાં સાંભળવા મળી હતી. - લાંબો, પહોળો અને સૌથી મોટો મતવિસ્તાર : માત્ર જિલ્લા કે રાજ્ય નહીં, પરંતુ વિધાનસભાના સંદર્ભમાં દેશભરમાં  સૌથી મોટો અબડાસા વિસ્તાર કુલ 444 ગામો અને 150થી વધુ ગામો સાથે 6200 ચોરસ કિલોમીટરનું વિશાળકાય ક્ષેત્રફળ ધરાવે છે. અબડાસા ઉપરાંત લખપત અને નખત્રાણા મળીને કુલ ત્રણ તાલુકાને આવરી લેતી આ મહાકાય બેઠક જીતી લેવા માટે પક્ષોને રાત-દિવસ દોડીને લાંબા રઝળપાટનો જબરો વ્યાયામ કરવો પડતો હોય છે. નખત્રાણાથી માંડીને છેક છેવાડાના લાલા ગામ સુધીના આખા વિસ્તારની સફર ખેડો ત્યારે  તંદુરસ્ત વ્યક્તિ પણ થાકીને  લોથ-પોથ થઇ જાય. દુર્ગમ ગામડાંઓ સુધી પહોંચવાની કવાયત કપરી બની રહી છે, તો સમય તેમજ અંતર બચાવી લેવાની મથામણમાં ટૂંકો રસ્તો પસંદ કરો તો આવતા ખાડા-ટેકરા, નાની-મોટી  પાણી ભરેલા ગાબડાંઓ સાથેની પાપડી વાળા રસ્તા જાણે આ બેઠક પરના રાજકીય જંગના ઉતાર-ચડાવનો પડઘો પાડતા હોય છે. - જ્ઞાતિવાર મતદારો : અબડાસા હોય કે અમદાવાદ કોઇ પણ બેઠક પર ચૂંટણી હોય ત્યારે ગમે તેટલી હા-ના કરો, પરંતુ એક વાત ચોક્કસ માનવી જ પડે તેમ છે કે, જ્ઞાતિવાર સમીકરણોનો પ્રભાવ પરિણામો પર પડતો જ હોય છે. મતદાર ઇવીએમનું બટન દબાવવા હાથ લંબાવે ત્યારે તેની આંખ સામે આ સમીકરણ ચોખ્ખેચોખ્ખું ઊપસતું જ હોય છે. અબડાસા વિસ્તારમાં પાટીદારો, મુસ્લિમો, ક્ષત્રિયો, લઘુમતીઓના મતો પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. અબડાસા બેઠક પર જ્ઞાતિવાર મતદારોના સંખ્યાબળ પર એક આછેરી નજર કરીએ તો કુલ 200421 મતદારો છે, જેમાં સૌથી વધુ 64,944 મુસ્લિમ જ્ઞાતિના મતદારો છે. ત્યારબાદ અનુસૂચિત સમુદાયના 32,425 પછી ક્ષત્રિય જ્ઞાતિના 30,832, પટેલ જ્ઞાતિના 30844 મતદારો છે. આમ, 30 ટકા નજીક સંખ્યાબળ ધરાવતી મુસ્લિમ તેમજ 15 ટકા જેટલા સંખ્યાબળ વાળા અનુસૂચિત મતદારો પરિણામ કયા પક્ષના પક્ષમાં આવશે તેના ફેંસલામાં મોટી ભૂમિકા ભજવતા રહ્યા છે. - સામાન્ય મતદાર ઉદાસ પણ... : સામાન્ય રીતે ચૂંટણી વખતે ઠેર ઠેર ધજા-પતાકા, લાઉડ સ્પિકર સાથે ફરતી ગાડીઓનો ધમધમાટભર્યો માહોલ નજરે ચડતો હોય છે, પરંતુ આ વખતે કોરોના સંકટના પગલે  સરકારના કેટલાક નિર્દેશોના પગલે ક્યાંક સુસ્તતા વર્તાતી જોવા મળી હતી. ત્રણેય તુલકાની `લાંબી લચક' સફર ખેડતી વખતે કાચા અને પાકા રસ્તાની બંને તરફ આવતા નાના-મોટા ગામોમાં  ફરી સામાન્ય મતદારો સાથે `કચ્છમિત્ર'ની ?ટીમે ચૂંટણી સંદર્ભે કરેલા સવાલોના જવાબો તેમજ તેમના ચહેરા પરના ભાવો જોતાં એવું સ્પષ્ટ કળી શકાતું હતું કે, સામાન્ય મતદારોમાં સરેરાશ ઉદાસીનો માહોલ છે. દૂર સુધી નેજવું કરીને લાંબે સુધી જોવા મથતી નજરની તાકાત પૂરી થઇ ગયા પછી પણ ખતમ ન થાય, તેટલા લાંબા રસ્તાઓ વચ્ચે વન-વગડા, સીમમાં ઝીણા માલને ચરાવવા નીકળી પડતા માલધારીઓને  `ચૂંટણી છે, ખબર છે...' તેવું પૂછતાં એ બસ કુતૂહલભરી આંખે સામું જોઇ રહ્યા હતા. જો કે, તેમ છતાં રાજકીય પક્ષોમાં આ સત્તાનો સંગ્રામ જીતી લેવાના જુસ્સા સાથે ક્યાંક ઉત્સાહનો અનુભવ થયો હતો. પક્ષોના મધ્યસ્થ કાર્યાલયો પરનો ધમધમાટ `કચ્છમિત્ર'ની ટીમે જોયો હતો. કાર્યકરોના બંને ટંકના ભોજન માટે સતત ધમધમતા રસોડાંમાંથી આવતી વઘારની  સુગંધ તેમજ સતત ઉકળતી ચામાંથી નીકળતી વરાળ જાણે એવું કહેતાં હતાં કે, ચૂંટણીમાં જીવ છે...`ટાઇગર અભી જિંદા હૈ...' - દિગ્ગજોનું પ્રચાર અભિયાન : આમ, ભલે ચૂંટણી નીરસ દેખાતી હોય, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને બંને પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓ, આગેવાનોએ ઊતરી પડતાં સભાઓ ગજવીને પ્રચારમાં પ્રાણ ફૂંકવા માટેના પ્રયાસો કર્યા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપ તરફથી ચૂંટણી લડતા ઉમેદવાર માટે મત માગીને વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો, આક્ષેપો કર્યા હતા. તો, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે પણ  સત્તારૂઢ પક્ષ માત્ર `િવકાસ'ની  વાતો જ કરે છે, તેવા આક્ષેપો સાથે  `તબીબ' ઉમેદવારને વિધાનસભામાં મોકલવા જનતાને અપીલ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, વિધાનસભાના વિપક્ષી નેતા અને પાટીદાર અગ્રણી પરેશ ધાનાણીએ પણ સભાઓ ગજવી હતી. બીજીતરફ અપક્ષના સમર્થનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતરતાં ચૂંટણીની ગરમી વધી છે.એટલું જ નહીં, પરંતુ આ બેઠક જીતવા માટે રાજ્યની આખેઆખી સરકારની  નજર સતત અબડાસા પર છે, ત્યારે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ઊતરી પડયા છે અને સતત સાથે રહી પ્રચારની કવાયતમાં ક્યાંય કચાશ રહી ન જાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો પ્રચારમાં પૂરું જોર લગાવી રહ્યા છે.અબડાસાના ગઢ પર કબ્જો કરવા માટે છેડાયેલા વચગાળાના ચૂંટણી સંગ્રામ માટે કાર્યકરોને સૂચના, સંકલન સાથે પ્રવાસ-પ્રચાર અભિયાનના વ્યાયામની વ્યસ્તતા વચ્ચે રાજકીય પક્ષોના આગેવાનોએ `કચ્છમિત્ર'ની ટીમ સાથે વાત કરતાં  પોતપોતાની જીતના ગણિત માંડી બતાવ્યા હતા અને જંગી સરસાઇના દાવા કર્યા હતા. - ભાજપને જીતનો વિશ્વાસ : દયાપરમાં  કેસરિયા પક્ષના કાર્યાલય પર પ્રવાસો વચ્ચેથી પહોંચી આવેલા લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેસલજી તુંવરે દુકાળમાં ઢોરવાડા અને વધુ વરસાદથી નુકસાન થતાં કિસાનોને આર્થિક પીઠબળ પૂરું પાડવા જેવા કામોની  કદર કરતાં લખપતની જનતા પક્ષને પાંચ હજાર મતની સરસાઇ અપાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. લખપત તા.પં. પ્રમુખના પ્રતિનિધિ હાસમ મંધરાએ કહ્યું હતું કે, ઉમેદવારની સ્વચ્છ છબી અને વિકાસકામો 1962 પછી પહેલીવાર ભાજપને લીડ અપાવી પરંપરા તોડશે. આખા અબડાસામાં ત્રીજા પક્ષોને 9500થી ઉપર મત નહીં મળે. શાસક પક્ષના નેતા કાસમ જકરિયા, તા.પં. ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા, નિતેશ ગાંધી, વિક્રમસિંહ સોઢા, કિંજલ બુદ્ધભટ્ટી, દીપક રેલોન સહિત કાર્યકારો કામે લાગ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું. નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ નરસિંગાણીએ કહ્યું હતું કે, વિકાસના વિવિધ કામો ભાજપને સરળતાથી જીત અપાવશે. પક્ષના ઉમેદવારે કરેલા કામોની કદર અબડાસાની જનતા જરૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો અપાવવાના, બાયપાસ કરાવવા માટેના ભાજપના પ્રયાસો પણ પરિણામ પક્ષ તરફી જ લાવશે, તેવું તેમણે ઉમેર્યું હતું. આ વખતે જીત તો ભાજપની છે, પરંતુ તેમ છતાં પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલુ છે. અબડાસા બેઠક પર ઉમેદવાર રિપીટ નહીં થતા હોવાની પરંપરા આ વખતે તૂટશે અને કેસરિયા પક્ષને વિજય મળશે, તેવો વિશ્વાસ લખપત તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભાણજીભા સોઢાએ વ્યક્ત કર્યો હતો. નાના માણસ વચ્ચે સતત રહીને લોકોના નિષ્ઠાપૂર્વક કામ કરવાની અમારા ઉમેદવારની નીતિ જીત અપાવશે, તેવો દાવો અબડાસા ભાજપ મહામંત્રી વાડીલાલ પોકારે કર્યો હતો. - કોંગ્રેસનો સંગીન દાવો : દયાપરમાં  ધમધમતા કોંગ્રેસ કાર્યાલય પર લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાસમ નોતિયારે આ તાલુકામાં 67માંથી 20 પર ભાજપ, 47 52 કોંગ્રેસને, એ હિસાબે લખપત પંજાને 2500થી ત્રણ હજારની સરસાઇ અપાવશે તેવો દાવો કર્યો હતો. વિશ્વાસઘાતીને માફ નહીં કરનાર અબડાસાની જનતા પક્ષ પલટો કરનારને જાકારો આપશે તેવું તેમણે ઉમેર્યું હતું. શ્રી નોતિયારે  ઉમેર્યું હતું કે, પ્રચાર-પ્રવાસના અભિયાનમાં જિ.પં. પૂર્વ સભ્યો મામદ જત, પૂંજાજી જાડેજા, સમરથદાન ગઢવી, જશવંત પટેલ, હુસેન રાયમા સહિત કાર્યકરો દોડી રહ્યા છે. નલિયાની રાજપૂત સમાજવાડીમાં ધમધમતા કોંગ્રેસ કાર્યાલય પર ચૂંટણી ઇન્ચાર્જ ભીમજીભાઇ વડોરે અબડાસા બેઠક 20 હજારથી વધુ મતની સરસાઇ સાથે જીતીને કોંગ્રેસ પોતાની પાસે જ રાખશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પહેલીવાર કોંગ્રેસે માઇક્રોલેવલ પ્લાનિંગ કર્યું હોવાનું કાર્યાલયો પર તૈયારીઓ તેમજ આગેવાનો સાથે વાતચીત પરથી કળી શકાતું હતું. તાલુકા પંચાયતની બેઠકો પર સીટવાર વ્યવસ્થા ગોઠવીને ખાસ તો આ વખતે યુવા પેઢીને જોડવાનું કામ કર્યું છે તેવું કહેતાં શ્રી વડોરે એવો દાવો કર્યો હતો કે, આ વખતે કોંગ્રેસ પોતાનો જ વિક્રમ તોડશે. પીઢ આગેવાનો હાજી જુમા રાયમા, હાજી તકીશાબાવા, કિશોરસિંહ  વખતસિંહ જાડેજા, સલીમ જત, અબ્દુલ ગજણ સહિત અગ્રણીઓ, કાર્યકરો પ્રચાર ઝુંબેશમાં પ્રાણ ફૂંકી રહ્યા છે. અધવચ્ચે રાજીનામું દઇને કઇ આશા સાથે  પૂર્વ ધારાસભ્ય સત્તારૂઢ પક્ષ પાસે ગયા, તેવા સવાલ સાથે ભાજપના બની ગયેલા ઉમેદવાર પર પ્રહાર  કરતાં અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ કહ્યું હતું કે, જનતા દગો સહન નહીં કરે.  અપક્ષ અને ત્રીજા પક્ષના ફેક્ટરની કોઇ અસર રહેશે નહીં. આજે અપક્ષની મદદે દોડી ગયા છે, તે લોકો જ પક્ષ છોડનાર કે પૂર્વ ધારાસભ્યના ટેકેદારો રહી ચૂક્યા છે, તેના પરથી જ બેઠક જીતવા કેવી પ્રપંચ વ્યૂહરચના અપનાવાતી હોય છે તે સમજી શકાય છે તેવું તેમણે ઉમેયું હતું.  નખત્રાણામાં તાલુકા પંચાયતના  વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે કહ્યું હતું કે, કોંગ્રેસની સભાઓ પાટીદાર સમાજવાડીમાં થાય?છે. એ જોતાં જ પરિણામનો  પવન કોની દિશામાં ફૂંકાય છે તે સમજી શકાય છે. હાથરસ, રાપર જેવા બનાવોની અસર પરિણામો પર જરૂર પડશે. દરમ્યાન કોંગ્રેસે ગોઠવેલા માઇક્રો પ્લાનિંગ અંતર્ગત જિલ્લા કક્ષાના આગેવાનોને જિલ્લા પંચાયત સીટ દીઠ જવાબદારી  સોંપાઇ છે. મોથાળા બેઠકની જવાબદારી સંભાળતા પક્ષના યુવા આગેવાન ચેતન જોષીએ પ્રવાસ દરમ્યાન પક્ષના સારા ચિત્રનો અંદાજ આપતા પરંપરા જળવાઇ રહેશે તેમ કહ્યું હતું. જ્યારે પક્ષના વરિષ્ઠ આગેવાન લક્ષ્મીશંકરભાઇ જોષીએ સર્વાંગિક ચિત્રનું મૂલ્યાંકન કરતાં કોંગ્રેસનો હાથ વિજય સુધી ઉંચો રહેવાનો  વિશ્વાસ જતાવ્યો હતો. ઉપરાંત નેત્રા બેઠકની જવાબદારી સંભાળતા ડો. રમેશ ગરવાએ પણ આવા જ સારા પરિણામનો વિશ્વાસ બતાવ્યો હતો. આ વચ્ચે બંને મુખ્ય રાજકીય પક્ષના જિલ્લા એકમનાં માળખાં અને તેના હોદ્દારો પણ પ્રચાર સહિતના કાર્યમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા અગ્રણીઓ વલમજીભાઇ હુંબલ, અનિરુદ્ધભાઇ દવે, દિલીપભાઇ શાહ,  શૈલેન્દ્રાસિંહ જાડેજા વગેરેએ સમસ્ત મત વિસ્તારમાં સારી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. તો પૂર્વ જિલ્લા પ્રમુખ ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદી, વર્તમાન જિલ્લા મંત્રી હિતેષ ખંડોર, અગ્રણી ભરત સોમજીયાણી, શૈલેન્દ્રાસિંહ પ્રતાપાસિંહ જાડેજા, મુલજીભાઇ ગઢવી વગેરેએ ભાજપના ઉજ્જવળ પરિણામનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો પ્રવાસમાં મળી ગયેલા વિંઝાણના વિક્રમસિંહ જાડેજાએ પણ ભાજપ માટે સારું વાતાવરણ થઈ ચૂકયું હોવાનું જણાવ્યું હતું. શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનસિંહની સક્રિયતા તેને જીતાડશે. કોઈ ગામમાં ન ગયા હોય તેવો દાખલો નથી.  જ્યારે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યજુવેન્દ્રાસિંહ જાડેજા, પ્રદેશના હોદ્દાર રવીન્દ્ર ત્રવાડી, જિલ્લા મહામંત્રી-પ્રવક્તા ઘનશ્યામાસિંહ ભાટી, પૂર્વ પ્રમુખ નવલાસિંહ જાડેજા અને વી.કે. હુંબલ, પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમભાઇ મંધરા, અબડાસા વિંઝાણના કિશોરાસિંહ જાડેજા વગેરે પ્રદેશસ્તરથી અબડાસા સુધીના સંકલનની કામગીરી સંભાળી રહ્યા છે. - વાત બન્ને પક્ષના મોવડીઓની  : પેટા ચૂંટણી અબડાસાની બાગડોળ સંભાળી રહેલા બન્ને મુખ્ય રાજાકીય પક્ષોના મોવડી સાથે વાતચીત કરતા જીતના સામસામા દાવા સાંભળવા મળ્યા હતા. ભાજપ વતી ચૂંટણી કમાન્ડ સંભાળી રહેલા રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા જણાવી રહ્યા છે કે સામાજિક સમીકરણો મુશ્કેલ છે પણ ઉમેદવાર પ્રદ્યુમનાસિંહે કરેલા કામો તેમને અને ભાજપને જીતાડશે તથા આ સરસાઇ દશ હજાર જેટલા મતોની હશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ઉમેદવાર વિજયી થયા પછી વધુ કામો વધુ સરળતાથી કરી શકશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો. તો ચૂંટણી સમયે જયુડિશિયલ કસ્ટડીમાંથી છૂટેલા જેન્તી ઠકકરનો મુદો છેડતાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ નિર્ણય પક્ષનો નહીં કોર્ટનો છે. તો અપક્ષની દાવેદારી વિશે તેમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે લોકશાહીમાં સૌને ઉમેદવારીનો હકક છે. જયારે આ ચૂંટણીમાં કોંગ્રેસ વતી ઓવરઓલ ઇન્ચાર્જ પ્રભારી તરીકે બાગડોળ સંભાળનારા ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડા સાથે વાતચીત કરતા તેમણે કોંગ્રેસની જીતનો પૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે સ્થાનિક અને શિક્ષીત ઉમેદવારની પસંદગી થકી નખત્રાણા તાલુકો આ વખતે ફરી સાથે રહેશે. તો લખપત તાલુકો પક્ષ માટે અકબંધ જ છે. જયારે મુસ્લીમ અપક્ષોના કારણે અબડાસામાં દર વખતે મળતી લીડ થોડી ઓછી થકે પણ સરવાળે તે ઇફેકટીવ નહીં રહે.  કોરોના અને ખેડુતોને સંલગ્ન ઉપરાંત વાયદા પૂર્ણ ન કરવા સહિતના સ્થાનિક પ્રશ્નો પણ હરિફ સતાપક્ષ માટે મુશ્કેલી બનશે તેવું કહેતા તેમણે ભાજપના ઉમેદવારે ફોર્મ સાથેનું સોગંદનામું છેક 17મી તારીખે રજુ કર્યાનું અને આ વિશે વાંધો ઉઠાવ્યા બાદ પણ પગલા ન લઇ સતાનો દુરુપયોગ કરાયાનો આરોપ મુકયો હતો. - અપક્ષ હનિફ પઢીયાર કહે છે ઉમેદવારોનો નિર્ણય સમાજનો  : પેટા ચૂંટણીમાં `કી ફેકટર' મનાઇ રહેલા લઘુમતી સમાજના અપક્ષ પૈકીના નુંધાતડના હનિફ હાજી જાકબ બાવા પઢિયાર કહે છે કે આ ઉમેદવારીનો નિર્ણય તેમનો વ્યકિતગત નહીં પણ સમાજનો છે. આ માટે કોઇ સોદાબાજી કે ગોઠવણી કરી નથી અને જે તે સમયે સમાજને બધી ઓફર-દરખાસ્ત કરાઇ હતી આમછતાં કોઇ નિર્ણય ન લેવાતાં આ દાવેદારી કરવી પડી છે.  નુંધાતડના સરપંચ રહી ચૂકેલા અને કોરોના મહામારી દરમ્યાન સેવાના કાર્યો કરનારા હનિફ પઢિયાર કહે છે કે ગામેગામે સારો આવકાર મળે છે જે જીતનો પૂરો વિશ્વાસ અપાવે છે. તેમની ઉમેદવારી થકી બન્ને મુખ્ય પક્ષને અને ખાસ કરીને કોંગ્રેસને મોટું નુકસાન થશે તેવું પણ તેમણે જણાવતાં એવી ટિપ્પણી કરી હતી કે જૂના કોંગ્રેસીને ટિકિટ અપાઇ હોત તો આ દિવસો ન આવત.જયારે અન્ય એક અપક્ષ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના માજી પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા જણાવે છે કે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ હરહમેંશ આ બેઠક પર સોદાબાજી કરી છે. જેનો તેમણે દરેક વખતે વિરોધ કર્યો છે. પોતાની ઉમેદવારી મુસ્લિમ સમાજના હિતમાં હોવાનું કહેતા અનુ.જાતિના મતદારોના સહયોગથી હટકે પરિણામ લાવવાનો દાવો તેમણે કર્યો હતો. - મુસ્લિમ મતોની ભારે કવાયત : લગભગ 33 ટકા સંખ્યા ધરાવતા લઘુમતી સંપ્રદાયના મતદારોને લઇને આ બેઠક ઉપર આ વખતે જબ્બર જંગ મંડાયો છે. એક તરફ અપક્ષ ઉમેદવારો સમાજના મતમાં મોટું ગાબડું પાડવાના પ્રયાસો સાથે પ્રવૃત્ત બન્યા?છે, જ્યારે કોંગ્રેસ પક્ષ વતી પક્ષના  વરિષ્ઠ આગેવાનો ડેમેજ કન્ટ્રોલ કાર્યવાહીમાં ગળાડૂબ બન્યા?છે. અગ્રણી ભુજના આદમભાઇ બી. ચાકી, ગાંધીધામના હાજી જુમાભાઇ રાયમા અને મુંદરાના  હાજી સલીમભાઇ જત તથા ભુજના રફિક મારાએ  અપક્ષો તેમના અંગત હેતુસર ઉભા રહ્યા હોવાની વાત કરતાં સમાજ તરફથી તેમને ખોટો સહયોગ મળી અને સરવાળે ભાજપને ફાયદો ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ગામે ગામનો પ્રચાર પુરજોશમાં હોવાનું કહ્યું હતું. - અનુસૂચિત જાતિના મતો ભારે મહત્ત્વના બનશે : મુખ્યત્વે મુસ્લિમ, પાટીદાર અને ક્ષત્રિય મતોના વધુ વર્ચસ્વવાળી અબડાસા બેઠકમાં આ વખતે કેટલાંક ચોક્કસ કારણો ધ્યાને લેતાં અનુસૂચિત જાતિના મતદારોની ભૂમિકા પણ મહત્ત્વની બની રહેશે તેવું જણાવ્યું હતું. આ પરિપ્રેક્ષ્યમાં અ.જા. અધિકાર મંચ, કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રાપર જેવી ઘટનાઓના પડઘા માત્ર અબડાસા જ નહીં પરંતુ રાજ્યભરમાં પડશે. અનુસૂચિત સમુદાય સત્તારૂઢ પક્ષ સાથે રહેશે નહીં. બીજી તરફ લખપત તા.પં. સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ બુધાભાઇ મહેશ્વરીએ એવો દાવો કર્યો હતો કે, હાથરસ, રાપર જેવા બનાવોની અસર 25 ટકા જેટલી જ પડશે. મતદાન (ત્રીજી નવેમ્બર)ને આડે હવે માંડ એક અઠવાડિયું બાકી રહ્યું છે. આવનારા દિવસોમાં પ્રચાર વધુ વેગવાન બનવાની સાથે શામ-દામ-દંડ-ભેદના પ્રયોગો પણ થશે. આ બેઠક પર સમગ્ર ગુજરાતની મીટ મંડાઇ છે. રિપીટ ઉમેદવાર ફરી ન ચૂંટાવાની પરંપરા તૂટશે કે જળવાશે ? જવાબ 10મી નવેમ્બરે મળી જશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer