નવી શરતના પ્લોટના પ્રીમિયમ અંગે અસ્પષ્ટતા હોવાથી જંત્રી ભાવ લેવા માંગ

નવી શરતના પ્લોટના પ્રીમિયમ અંગે અસ્પષ્ટતા હોવાથી જંત્રી ભાવ લેવા માંગ
ભુજ, તા. 26 : ભૂકંપગ્રસ્ત ભાડુઆત અને ફ્લેટધારક અનેક પરિવારોને ચાર રિલોકેશન સાઈટ ઉપર નવી શરત હેઠળ પ્લોટો ફાળવીને સરકારે પુન:સ્થાપિત કર્યા. નવી શરતના આ પ્લોટ જૂની શરતમાં ફેરવવા માટે હાલમાં ભાડાના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી તે માટે અરજીફોર્મ ઈસ્યૂ કરાયાં છે. આ સંદર્ભે રિલોકેશન સાઈટ સમિતિએ આજે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાણીને રૂબરૂ મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. સમિતિએ નવી શરતના પ્લોટોને જૂની શરતમાં ફેરવવાની કાર્યવાહી શરૂ કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી આ પ્રક્રિયામાં પ્રીમિયમની રકમ નક્કી કર્યા વિના જ બાહેંધરી પત્રમાં અરજદાર પ્લોટ ધારકની સહી લેવાતી હોઈ અરજદારો અસંમજસમાં હોવાનું જણાવ્યું હતું. પ્રીમિયમની રકમ કેટલી ભરવાની થશે, એ ખબર જ ન હોય તો કેમ બાહેંધરી આપી શકે ? સમિતિએ આ બાબતે છેલ્લા પાંચ વર્ષથી રાજ્યસરકાર સમક્ષ જંત્રી ભાવે પ્રીમિયમ લેવા માટે ચાલતી રજૂઆતોના સંદર્ભો ટાંકીને જણાવ્યું કે, ભૂકંપ બાદ પૂરી કબજા કિંમત લઈને સરકારે ફાળવેલા નવી શરતના પ્લોટ પાંચ વર્ષ પછી જૂની શરતમાં ફેરવવાની કાર્યવાહી કરવાની હતી. પણ, તંત્ર અને સરકારે એ બાબતે સમયસર કોઈ નિર્ણય ન લેતાં હવે આ મડાગાંઠ સર્જાઇ છે. ભૂકંપના 20 વર્ષ પછી હવે આ કાર્યવાહી થઈ રહી છે ત્યારે, જંત્રી ભાવ મુજબ પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લઈને આ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આથી અગાઉ ભાડાના તત્કાલીન ચેરમેન કિરીટ સોમપુરા તેમજ પૂર્વ કલેક્ટર મહેન્દ્રભાઇ પટેલે પણ મધ્યમવર્ગીય ભાડુઆત અને ફ્લેટધારક પરિવારો બજારાકિંમત ભરી શકે તેમ ન હોઈ તેમની પાસે જંત્રી કિંમત લેવા અંગે સરકારને નિર્ણય લેવા માંગ કરી છે. તો, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા અને વરિષ્ઠ રાજકીય અગ્રણી દિલીપ ત્રિવેદી સમક્ષ પણ આ પ્રશ્ને સમિતિ દ્વારા રજૂઆત કરાયા બાદ તેમણે પણ  હકારાત્મક રજૂઆત કરી છે. આજની રજૂઆતમાં કોરોના ગાઈડ લાઈનને અનુલક્ષી સમિતિ વતી અરુણ ઠક્કર, વિનોદ ગાલા, રિતેન ગોર, ઘનશ્યામ ઠક્કર, સંદીપ ગોર, મહેન્દ્રસિંહ જાડેજા, નીતિન ગોરે મધ્યમવર્ગીય પરિવારોના આ પ્રશ્નને માત્ર મહેસૂલી ધોરણે નહી પણ  સંવેદનશીલ અભિગમ દાખવી સામાજિક ધોરણે ઉકેલવા તંત્ર, સરકાર અને પ્રજાકીય પ્રતિનિધિઓને અપીલ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer