`નેત્રમ''ની નજર વિનાના ક્ષેત્ર ગુનેગારોના નિશાના પર

`નેત્રમ''ની નજર વિનાના ક્ષેત્ર ગુનેગારોના નિશાના પર
ભુજ, તા. 26 : લૂંટ અને ચોરી જેવા ગુનાઓને અંજામ આપવા માટે આ કામે લુખ્ખા તત્ત્વો રીતસર રેકી કરતા હોય છે જેમાં `નેત્રમ' સીસી ટીવી કેમેરાની નજરથી બચવા એવા વિસ્તારો પર પસંદગી ઉતારે છે જ્યાં આવા કેમેરાના થાંભલા ખોડાયેલા ન હોય. ભુજ શહેર અને તેના પરાના માધાપર-મિરજાપરમાંના અંદરના વિસ્તારો `નેત્રમ'ની નજર તળે ન હોવાથી ચોરો માટે તે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે તે હાલમાં બનેલા આવા અનેક કિસ્સાઓ પરથી સાબિત થાય છે. સેફ એન્ડ સિક્યોર ગુજરાત-વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમન અને સર્વેલન્સ અર્થે રાજ્યના જિલ્લામથકો અને શહેરોના પ્રવેશ અને બહાર નીકળવા તથા ગિર્દીવાળા વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા લગાવી વિસ્તારને `નેત્રમ'ની નજર તળે સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર ભુજમાં પણ જે તે સમય રાજ્ય પોલીસની ટીમ સાથે સ્થાનિક પોલીસ, ટ્રાફિકની ટીમને સાથે રાખી 19 થાંભલા-જંક્શન ખોડી 209 સીસી ટીવી કેમેરા લગાવી તેને 10 માસ પૂર્વે કાર્યાન્વિત કરાયા હતા. પરંતુ `સોનાની થાળીમાં લોઢાની મેખ' સમાન ભુજના અનેક ધમધમતા એરિયા અને તેના પરા સમા માધાપર-મિરજાપરના અનેક વિસ્તારો એવા છે આ `નેત્રમ'થી વંચિત રહ્યા છે. કોઇપણ ગુનેગાર આયોજનબદ્ધ રીતે ગુના આચરવા પૂર્વે તેને કોઇ જોઇ તો નહીં જાય ને... ? તે માટે આસપાસ નજર દોડાવતા હોય છે. આવા ગુનેગાર નજરમાં આવે તે જ હેતુસર રાજ્ય સરકારે સીસી ટીવી કેમેરા માર્ગો પર લગાવ્યા?છે. પરંતુ ભુજના હંગામી બસ સ્ટેશન, ગૌરવપથ, રઘુવંશી ચોકડી, રાવલવાડી રીલોકેશન સાઇટ, મુંદરા રીલોકેશન સાઇટ ઉપરાંત શહેર ભીડ નાકા, સરપટ?નાકાના બહારી વિસ્તાર અને કોટ?અંદરના અનેક વિસ્તારો ઉપરાંત શહેરના પરા સમા માધાપર-મિરજાપરને પણ `નેત્રમ'ની નજર તળે આવરી લેવા જરૂરી બન્યા છે. થોડા મહિના પૂર્વે રાવલવાડી બાજુના ગાયત્રી કોલોનીમાંથી મુંબઇગરાના ઘરમાંથી ધોળા દિવસે લાખોની ઘરફોડી થઇ હતી અને હંગામી બસ સ્ટેશન પાસે પણ વિવિધ?ગુનાઓને કાબૂમાં લેવા આ વિસ્તાર ઉપરાંત મુંદરા રીલોકેશન સાઇટ તથા તેની આસપાસની કોલોની વિસ્તારમાં પણ લુખ્ખાઓ ચોરીઓને અંજામ આપી રહ્યા છે. તો માધાપરમાં પણ બે-ત્રણ દિવસ પૂર્વે જ તપાસના બહાને ત્રણ ઉઠાવગીરોએ વૃદ્ધાના હાથમાંથી સોનાની ચાર બંગડી ઉતરાવી તેના બદલામાં તેની પાકીટમાં પીત્તળની બંગડી પધરાવી રફુચક્કર થઇ ગયા હતા. તો ભીડ ગેટ, સરપટ ગેટ નાકા બહારના પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં લૂંટફાટ ઉપરાંત મારામારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઇ રહી છે. આ શહેરના કોટ વિસ્તારને પણ `નેત્રમ'ની નજર તળે આવરી લેવાય તો પોલીસની `નજર' વધુ વિસ્તરી સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના માર્ગો પર લાગેલા સીસી ટીવી કેમેરા ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસને મદદરૂપ થયા જ છે ત્યારે આ `નેત્રમ'ની નજરને વધુ ધારદાર બનાવવી જરૂરી બની છે. જ્યાં `નેત્રમ'ની નજર નથી ત્યાં પોલીસ પહેરો વધુ ધારદાર બનાવવાની જરૂર છે. મંગલમ વિસ્તારમાં હંગામી પોલીસ ચોકી હતી જે હટી ગયા પછી આખો વિસ્તાર સુરક્ષાછત્ર વિના નધણિયાતો બની ગયો છે. દરમ્યાન, ભુજ `નેત્રમ' પ્રોજેક્ટના ઇન્ચાર્જનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શહેરી વિસ્તાર માટેનો હોવાથી ભુજના પરા સમાન માધાપર કે મિરજાપર આમાં આવરી લેવાય તો પોલીસ માટે વધુ સુગમતા રહે પરંતુ તે શક્ય છે કે નહીં તે અધિકારીઓનો વિષય છે. પરંતુ પ્રથમ ફેસ બાદ બીજા ફેસમાં જે જે પાંચ જગ્યાએ કેમેરા લગાવાના છે તે તારવી લેવાયા છે અને તેની દરખાસ્ત મોકલી દેવાઇ છે. આમાં કોડકી રોડ ચાર રસ્તા, અમનનગર ચાર રસ્તા, આત્મારામ સર્કલ ચાર રસ્તા, સરપટ ગેટ બાજુના રેલવે ફાટક પાસે તથા નાગોર ફાટક પાસે કેમેરાના જંક્શન ઊભા કરી લગાવવા માટે રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસના સુઝાવ મુજબ અન્ય વિસ્તારો આવરી શકાય. સરકારમાંથી કેટલી જગ્યા માટે મંજૂરી મળે છે ત્યારબાદ ફરીથી સર્વે કરી જગ્યાઓ તારવી શકાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer