તહેવારો વચ્ચે બેંકની વિલય પ્રક્રિયાથી મુશ્કેલી

તહેવારો વચ્ચે બેંકની વિલય પ્રક્રિયાથી મુશ્કેલી
ભુજ, તા. 26 : કેન્દ્ર સરકાર દ્વારા દશ બેંકનો વિલય કરી મુખ્ય ચાર બેંકનું નિર્માણ કરવા નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત અમુક બેંકનો વિલય થઇ ગયો છે, જ્યારે બાકી બેંકની કાર્યવાહી પણ આગળ ધપી રહી છે. જો કે, આ પ્રક્રિયા દરમ્યાન ખાતાંધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને તહેવારોના સમયમાં આ મુશ્કેલી વધી છે. અલબત્ત, બેંક મેનેજમેન્ટ ખાતાંધારકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું હતું. વિશ્વકક્ષાએ મજબૂત બેંકોનાં નિર્માણ અને સંચાલનક્ષમતામાં સુધારો લાવવાના આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા બેંક વિલયનો નિર્ણય લેવાયો હતો. જેમાં ખાસ કરીને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંકમાં મર્જ થશે, સિન્ડિકેટ બેંક કેનેરા બેંકમાં તેમજ ઇન્ડિયન બેંક અલ્હાબાદ બેંકમાં મર્જ થશે. તો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કોર્પોરેશન બેંકમાં, જ્યારે દેના બેંક, વિજયા બેન્ક બેન્ક ઓફ બરોડામાં તથા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેંકમાં મર્જ થશે.  કચ્છમાં દેના બેંક અને વિજયા બેંકને બેંકઓફ બરોડામાં મર્જ કરવાની કાર્યવાહી 24 અને 25/10 સુધી ચાલવાની બેંક દ્વારા જાહેરાત કરાઇ હતી, પરંતુ ભુજમાં આજે પણ અનેક ખાતાંધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. હાલમાં નવરાત્રિ પર્વ પૂરું થયું અને હવે દિવાળી નજીક છે ત્યારે જ બેંકની મર્જ કામગીરીને પગલે ખાતાંધારકોની મુશ્કેલી વધી ગઇ હતી. જો કે, ખાતાંધારકોની પરેશાની મુદ્દે દેના બેંકના મેનેજર શ્રી મીણા તથા અમીતભાઇ ગોરે જણાવ્યું કે, કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને કોઇ પ્રશ્ન નથી. દરેક સેવા ચાલુ જ છે. સિસ્ટમ બદલી છે, એકાઉન્ટ નંબર જૂના હોય તો પણ  બ્રાંચ કક્ષાએ ઓટોમેટિક નવા એકાઉન્ટ નંબરથી વ્યવહાર થઇ શકે છે. બસ, એક જ સમસ્યા છે કે, આ બેંકના ચેક અન્ય બેંકમાં ક્લિયરિંગમાં ન આપવા. એટીએમ બરાબર ચાલે છે અને જો કદાચ સમસ્યા હોય તો નવા એકાઉન્ટ નંબરથી રિ-પીન આપી એક્ટિવ થઇ જશે. નવી ચેકબૂક, મોબાઇલ નંબર રજિસ્ટર જેવાં મહત્ત્વનાં કામો માટે જ બેંકમાં જવું પડે છે. આજે પ્રથમ દિવસે એક પણ ગ્રાહકને મુશ્કેલી નથી પડી તેવું શ્રી ગોરે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer