એસ.ટી. નિગમ દ્વારા ખોટ ખાઇને કરાતી `સેવા''

એસ.ટી. નિગમ દ્વારા ખોટ ખાઇને કરાતી `સેવા''
ભુજ, તા. 26 : સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાંયે પણ કોરોના મહામારીના કારણે સામાજિક અંતર સાથે મર્યાદિત પ્રવાસીઓ લઇને દોડાવાતી બસોમાં થતી ઓછી આવકના કારણે જિલ્લાનું એસ.ટી. તંત્ર ખોટ ખાઇ `સેવા' કરી રહ્યું છે જ્યારે ખાનગી વાહનોમાં કોઇ નિયમોનું પાલન થતું ન હોવાનોયે આક્ષેપ ઊઠી રહ્યો છે.જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છમાં ગુર્જરનગરી, લોકલ, એક્સપ્રેસ અને સ્લીપર (વોલ્વો સહિત) બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે દરરોજના સવા લાખ કિલો મીટર જેટલું અંતર કાપે છે. હાલે કોરોનાની મહામારીના કારણે સરકારની માર્ગદર્શિકા મુજબ 75 ટકા પેસેન્જર લેવાના હોવાથી આવક સામે ડીઝલ, ઓઇલ, ટાયર ઘસારો, મેઇન્ટેનન્સ, ડ્રાઇવર-કંડક્ટર, અન્ય અધિકારી-કર્મચારીઓના પગાર-ભથ્થાં, ટોલ ટેક્સ, પેસેન્જર ટેક્સ સહિતના ખર્ચની જાવકમાં મોટો તફાવત થવા પામ્યો છે. સામે જિલ્લામાં તેમજ જિલ્લા બહાર ચાલતા ખાનગી વાહનો પર તંત્રનો કોઇ અંકુશ ન હોઇ આ વાહનો દ્વારા સરકારના નિયમોનો છડેચોક ભંગ થઇ રહ્યો હોવાનું પણ એસ.ટી. વર્તુળોમાંથી આક્ષેપ ઊઠી રહ્યો છે. - ડીઝલ ભાવવધારો પણ કારણભૂત : સૂત્રો વધુમાં ઉમેરે છે કે, એસ.ટી. નિગમ દ્વારા વર્ષ 2013માં લગભગ 30 ટકા જેટલો ભાડામાં વધારો કરાયો હતો, પરંતુ ત્યારબાદ ભાજપની સરકાર આવી જતાં આ ભાવ વધારામાં 10 ટકા જેટલો ઘટાડો કરી પ્રવાસીઓને રાહત આપવામાં આવી હતી. ત્યારબાદ કોઇ જ ભાડાં વધારો કરાયો નથી. જોકે, ત્યારે ડીઝલના ભાવ 50થી 55 જેટલા હતા અને આજે 80 રૂા. નજીક છે. બીજીતરફ છેલ્લા સાતેક વર્ષથી ટાયર, સ્પેરપાર્ટસ, મોંઘવારી ભથ્થામાં વધારા સહિતનો ખર્ચ વધી ગયો પરંતુ ભાડા વધારો ન થતાં નિગમ ખોટ?કરી રહ્યું છે. આમ તો દર છ મહિને ભાડું વધારવા સરકાર સમક્ષ માંગ કરવાની હોય છે પરંતુ ભાડું વધારી સરકાર પ્રજામાં અળખામણી થવા માગતી ન હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે જેનો ભોગ નિગમ બની રહ્યું છે. આ ખોટના કારણે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના એરિયર્સના ચૂકવણા, રજા પગાર, નિવૃત્તોના લેણાં, ફરજ પર મૃત્યુ પામનારાના પરિવારોને મળતા લાભો વગેરેમાં વિલંબ થતો હોવાનો પણ કર્મચારીઓમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. - સરકારી કાર્યક્રમોના લેણાં ન ચૂકવાતા હોવાનોયે આક્ષેપ : દરમ્યાન, જ્યારે કોઇપણ મોટા મોટા નેતાઓનો સરકારી કાર્યક્રમ યોજવામાં આવે છે અથવા તો ચૂંટણી ફરજ હોય કે પછી લોકડાઉન વખતે શ્રમિકો-રત્ન કલાકારો હોય તમામને ગંતવ્ય સ્થાને પહોંચાડવા એસ.ટી. નિગમની બસોનો જ મોટાભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે આ કાર્યક્રમો માટે ફાળવવામાં આવતી બસોના ભાડાં પણ પૂરતા ચૂકવાતા ન હોવાનો આક્ષેપ પર ઊઠી રહ્યો છે. જાણકારોએ જણાવ્યું હતું કે, લોકડાઉન વખતે અંદાજે 100 જેટલી બસ સુરતના રત્ન કારીગરોને તેમના વતન મોકલવામાં આવી હતી તો અમુક બસો મધ્યપ્રદેશ અને હરિદ્વાર (ઉત્તરાખંડ) સુધી દોડાવવામાં આવી હતી. - ખોટ કરતી હોવા છતાં વોલ્વો દોડાવાય છે : કચ્છમાંથી દરરોજની અંદાજે 70થી 80 ખાનગી બસો ફુલ પેસેન્જર સાથે ઉપડે છે જ્યારે નિગમ હસ્તક ચાલતી વોલ્વો બસ ખોટ?કરે છે. તેમ છતાં તે ચલાવાય છે, જે ખોટમાં વધારો કરે છે. - ડ્રાઇવરો પર ડીઝલ બચાવવાનુંયે ભારણ : નિગમ દ્વારા દોડાવાતી એસ.ટી. બસોમાં ડીઝલ બચાવવા 70 કિલોમીટરની લિમિટ બાંધવામાં આવી છે, જેમાં જો ડ્રાઇવરો ચૂક કરે તો તેના પગાર કાપી લેવામાં આવતો હોવાનુંય અમુક ડ્રાઇવરોએ ફરિયાદના સૂરમાં બળાપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ બાબતે ડેપો મેનેજર કક્ષાના અધિકારી પોતાનું સારું લગાડવા કોઇ બાબત સાંભળવા જ માગતા નથી. - ખાનગી વાહનો નફામાં, એસ.ટી. ખોટમાં : હાલ કોરોનાની મહામારીમાં નિગમ દ્વારા સરકારની માર્ગદર્શિકાનો પૂરેપૂરો અમલ કરે છે, તેથી મર્યાદિત પ્રવાસીના કારણે ડીઝલનો ખર્ચ માંડ માંડ નીકળે છે અને ખોટ સહન કરે છે તો બીજીતરફ?લાંબા રૂટની ખાનગી બસોવાળાએ દોઢું ભાડુંયે કરી નાખ્યું છે અને રસ્તામાંથી અન્ય મુસાફરોને બેસાડી નિયમોનો છડેચોક ભંગ કરે છે ત્યારે નિયમો માત્ર?એસ.ટી. બસોએ જ પાડવાના હોય તેવો સવાલ પણ કર્મચારીઓમાંથી ઊઠી રહ્યો છે. - વર્તમાન સરકાર નિગમને ઉગારે : અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં ખોટ કરતું નિગમ નફા તરફ આગળ વધી ખોટ સરભર થઇ હતી, પરંતુ છેલ્લા લાંબા સમયથી નિગમ ખોટ?તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સરકાર નિગમને ઉગારે તે વર્તમાન સમયની માંગ છે. - નંબર ઓફ પેસેન્જરમાં કચ્છ સરેરાશ આગળ : આ અંગે કચ્છના વિભાગીય નિયામક સી.ડી. મહાજનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાઓની તુલનાએ નંબર ઓફ પેસેન્જરમાં કચ્છ જિલ્લો સરેરાશ આગળ રહ્યો છે. કચ્છ ડિવિઝન હેઠળ સંચાલિત બસોની આંકડાકીય વિગતો આપતાં શ્રી મહાજને જણાવ્યું હતું કે, ગુર્જરનગરી, લોકલ, એક્સપ્રેસ અને સ્લીપર (વોલ્વો સહિત)ના દરરોજના કુલ 276 જેટલા શિડયુલ ગોઠવાયેલા છે. આ તમામ શિડયુલ પર અંદાજે દરરોજ 1,21,384 કિલોમીટર ગાડી દોડાવાય છે. જેમાં એસ.ટી.ને દર એક કિલોમીટરે સરેરાશ 14થી 17 રૂપિયાની આવક થાય છે. જો કે, હાલે આ ખોટ કોરોના મહામારીના કારણે સરકારની મર્યાદિત મુસાફરો લેવાની માર્ગદર્શિકાથી થતી હોવાનું જણાવ્યું હતું. તેમ કોરોના મહામારી બાદ ફરી આવકમાં વધારો થવાથી રાહત પણ થશે તેવો તેમણે આશાવાદ સેવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer