મતદારો મને પ્રશ્ન ચોક્કસ કરી શકે પણ વિરોધ હરગિજ ન કરી શકે

મતદારો મને પ્રશ્ન ચોક્કસ કરી શકે પણ વિરોધ હરગિજ ન કરી શકે
ભુજ : ધારાસભ્ય પદે ચૂંટયો ત્યાર પછી તેમજ રાજીનામું આપી દીધા પછી પણ કરોડોના વિકાસકામો મેં કરાવ્યા છે અને અત્યારે યોજાયેલી ચૂંટણી પછી પણ લોકોનાં કામો કરવાની પરંપરા જારી રાખીશ, તેવું કહેતાં ભાજપમાં જોડાઈને પુન: ચૂંટણી લડી રહેલા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજાએ મારા કામો જ જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા બેઠક હેઠળ આવતા ત્રણેય તાલુકાના વિવિધ ગામો સમર્થકો સાથે ખૂંદી વળતા પ્રચાર-પ્રવાસની વ્યસ્તતા વચ્ચે પક્ષપલટાના પ્રહારોનો જવાબ આપતા હોય તેમ કહ્યું હતું કે તમામ સમાજના મોવડીઓ, સંતો, સમજદાર મતદારો સાથે સલાહ-વિચારણા પછી જ ભાજપમાં જોડાયો છું. સરકાર પાસે વિકાસના કામોનું વચન માગીને રાજીનામાં પછીયે જીએમડીસી કોલેજ ગ્રાન્ટેડ કરાવી, ઉપરાંત કિસાનો માટે નખત્રાણા, કોઠારામાં એપીએમસી ટૂંક સમયમાં મારી રજૂઆતથી શરૂ થશે, કોઠારામાં આઈટીઆઈ મંજૂર કરવા જેવા કામો શ્રી જાડેજાએ ગણાવ્યાં હતાં. માતાના મઢ, ધીણોધર, ઘુડથર મતિયાદેવ, નારાયણ સરોવર, કોટેશ્વર, પુંઅરેશ્વર મંદિર સહિત ધર્મસ્થાનોના વિકાસ માટેના કામો પણ જનતા જોશે તેવું તેમણે ઉમેર્યું હતું. જનતા મને પ્રશ્ન કરી શકે, પણ મારો વિરોધ તો નહીં જ કરે, તેવી લાગણી સાથે વિવિધ વર્ગ, સમાજના લોકો માટે કરેલા કામો, સુખ-દુ:ખમાં હાજરી તેમજ સતત જનસંપર્ક જીત અપાવશે તેવો દાવો પ્રદ્યુમનસિંહે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ કચ્છનો મોટો પ્રશ્ન પાણી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ નર્મદાના નીર પહોંચાડવા વચન આપી ગયા છે. તેનું પાલન ઝડપભેર થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer