ચૂંટાયા બાદ પક્ષપલ્ટો એટલે લોકોના દ્રોહ સાથે લોકશાહીનું સરાજાહેર ખૂન

ચૂંટાયા બાદ પક્ષપલ્ટો એટલે લોકોના દ્રોહ સાથે લોકશાહીનું સરાજાહેર ખૂન
ભુજ : જીવન એટલે સેવાનું માધ્યમ અને આ ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ મેળવીને ચૂંટાયા બાદ અધવચ્ચેથી રાજકીય પક્ષપલ્ટો કરી જવો એટલે મતદારોના દ્રોહ અને લોકશાહીના ખૂન સમાન હોવાની અને લોકોના તથા વિકાસના કામો કરવા માટે સત્તાપક્ષ સાથે હોવું જ આવશ્યક ન હોવાની સ્પષ્ટ વાત અબડાસા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ડો. શાન્તિલાલ સેંઘાણીએ કરી હતી. કચ્છમિત્ર સાથેની મુલાકાતમાં વાતચીત કરતા કડવા પાટીદાર સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા ડો. શાન્તિલાલ સેંઘાણીએ જણાવ્યું હતું કે તબીબ અને શિક્ષિત વ્યકિત હોવાના નાતે ઉપરાંત રાજાકીય પક્ષના કારણે તેમનો લોકો સાથેનો સંપર્ક અને સક્રિયતા લાંબા સમયથી અવિરત છે. આ પરિબળો ઉપરાંત સ્વચ્છ પ્રતિભા સહિતના પાસાઓને લઇને પક્ષે તેમની પસંદગી કરી છે જેને તેઓ યથાર્થ ઠેરવી બતાવશે. મતદારો સામે કયા પ્રશ્નો અને મુદાઓ લઇને જાઓ છો તેવું પૂછતાં તેમણે કહ્યું હતું કે નર્મદા પ્રશ્ને લોકજુવાળ ઊભું કરવા સાથેનું આંદોલન જરૂર પડયે કરવા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો અને સ્થાનિકોને રોજગારી સહિતના કંપનીઓને સંલગ્ન મુદા ઉપરાંત લિગ્નાઇટ ખાણ બંધ થવા સહિત નાના માણસોના રોજબરોજના કામો ન થવા અને ભ્રષ્ટાચાર મામલે કામ કરવાની ખાત્રી સાથે તેઓ લોકો-મતદારોનું સમર્થન મેળવશે.ચૂંટણીમાં હોટ ઇસ્યુ બનેલા લઘુમતી સમુદાયના અપક્ષોની ઉમેદવારીનો પ્રશ્ન છેડતાં તેમણે માર્મિક ટકોર સાથે જણાવ્યું હતું કે મતદારો અને સમાજ બન્ને જાણી ચૂકયા છે કે તેઓ કેમ અને શા માટે ઊભા છે. આવા કોઇ રાજકીય પેંતરાઓ ફાવશે નહીં . 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer