ગાંધીધામના હૃદયસમું શક્તિનગર જાણે ઉકરડો

ગાંધીધામના હૃદયસમું શક્તિનગર જાણે ઉકરડો
ગાંધીધામ, તા. 26 : શહેરના હૃદયસમા શક્તિનગર વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલા જાહેર મેદાનમાં ગટર અને વરસાદના ગંદા પાણી ભરાયેલા છે. અહીં કચરાના ગંજ ખડકાયેલા છે. સત્તા પક્ષને ખોબે ખોબા ભરીને મત આપનારા વિસ્તારની પીડા નગર સેવકોની નજરે ચડતી નથી. તેવા સંદેશા સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. અહીં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગ્રાઉન્ડ ફી, ટ્રાન્સફર ફી, જુદા-જુદા અન્ય વેરા પાલિકા દ્વારા મિલકતવેરા સહિતના વેરા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ લોકોની પીડા કોઈને દેખાતી નથી. આ શહેરના હૃદયસમા વિસ્તાર એવા શક્તિનગરના વચ્ચોવચ્ચ આવેલા મેદાનમાં છેલ્લા કેટલાક સમયથી ગટર અને વરસાદના ગંદા પાણી ભરાયેલા છે. જેમાં મચ્છર ઉત્પાદનની ફેકટરીઓ ધમધમે છે. ઓછામાં પૂરું અહીં કચરાના ગંજ ખડકાયેલા છે. મધ્યમવર્ગીય એવા આ વિસ્તારના લોકોએ સતાપક્ષને ખોબા ભરીને મત આપ્યા છે. પરંતુ હવે લોકોની સેવા કરવાનો વારો આવ્યો છે ત્યારે નગરસેવકો સંતાઈ રહ્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના લોકોએ કર્યો હતો. હાલમાં કોરોના વાયરસને પગલે સવાર, સાંજ બાળકો અને વૃદ્ધો આ મેદાન પાસેના બગીચામાં કસરત કરવા આવતા હોય છે. પરંતુ અહીંથી સ્વાસ્થ્ય મેળવવાની જગ્યાએ લોકો માંદગી લઈને પોતાના ઘરે જતાં હોય છે. આ શહેર અને સંકુલમાં આવા દૃશ્યો રોજીંદા બન્યા છે પરંતુ જાડી ચામડીના તંત્રોના પેટનું પાણી પણ હાલતું નથી. સોશ્યલ મીડિયામાં આ અંગે સંદેશા વહેતા થયા હતા અને હવે જાગવાનો વારો આવ્યો હોવાની વાત મૂકવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer