જન્મદિનમાં પાર્ટી નહીં, ગૌસેવામાં મદદ

જન્મદિનમાં પાર્ટી નહીં, ગૌસેવામાં મદદ
રમેશ ગઢવી દ્વારા-  કાઠડા (તા. માંડવી), તા. 26 : કાંઠાળપટના કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, ભાડા, પાંચોટિયા, મોટા ભાડિયા, કોડાય, મસ્કા સહિતના ગામડાંઓમાં જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં પણ ગૌસેવાના લાભાર્થે રોકડ દાન આપીને કરાય છે, જે એક આવકારદાયી અને પુણ્યભરી પહેલ છે. આ ગામડાંઓમાં ગૌસેવાના લાભાર્થે એક મહિનાના દસ હજારથી માંડીને દોઢ લાખ જેટલી રકમ એકત્ર થાય છે, જે ઉનાળાના સમયે ગામની ગાયો માટે ચારાની જરૂરત હોય છે ત્યારે વપરાય છે. શ્રીમંત લોકો કેક કાપી બર્થ ડે પાર્ટી રાખતા હોય છે, તો અમુક લોકો વિવિધ હોટલોમાં પાર્ટી સાથે પણ આયોજન કરાય છે, પરંતુ જે-તે રકમ ગૌસેવાના લાભાર્થે વપરાય તો જીવદયાના કામ સાથે ગામની જે ગાયો માટે જરૂરિયાત સમયે ઉપયોગી થાય તે હેતુથી આ વિસ્તારના સરપંચો અને સેવાભાવી જાગૃત નાગરિકો દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવીને રોજ સવાર પડતાં જ જન્મદિવસની ઉજવણી પ્રસંગે તેમનો ફોટો, દાનની રકમ સાથે આભાર વ્યક્ત કરી દેવાય છે અને આ વિસ્તારના સરપંચો આ કાર્ય માટે સમિતિ બનાવી ગૌસેવા ટ્રસ્ટ બનાવાયું છે અને દાનની રકમ જમા થતાં પહોંચ પણ આપી દેવાય છે. જેથી આ પહેલથી અન્ય ગામડાંઓ પ્રેરણા લે તો દુષ્કાળ સમય ગામડાંઓની ગાયોને કપરી પરિસ્થિતિમાં બચાવી શકાય અને જીવદયા કરતા સેવાભાવી લોકો પાસે હાથ લાંબા ન કરવા પડે. આ અંગે કાઠડા સરપંચ ભારૂભાઈ ગઢવીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, કાઠડા ગામે ગૌસેવા ટ્રસ્ટ બનાવી દેવાયું છે અને જન્મદિવસની ઉજવણી ગૌસેવા ટ્રસ્ટને દાન આપવાથી ગામે એક મહિનાની સરેરાશ એક લાખની આવક થાય છે. જરૂરિયાત સમયે રકમ વાપરવામાં આવે છે. તદઉપરાંત ભુજપુર પાંજરાપોળ દ્વારા દુષ્કાળના સમયે અખબારમાં જાહેરાત આવતા ત્યારે અમુક રકમ પાંજરાપોળમાં પણ મોકલી દેવાય છે. નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, નાનકડું ગામ હોવા છતાં આ ગામે સરેરાશ પંદરથી વીસ હજારની એક મહિનાની જન્મદિવસ ઉજવણીની આવક થાય છે. જે માટે અગિયાર વ્યક્તિઓની સમિતિ બનાવી દેવાઈ છે. આવક થાય તે કયા સમયે વાપરવી તે સમિતિ નક્કી કરે છે અને પહોંચબુક પણ બનાવી દેવાઈ છે, જેથી રકમ જમા થતાં તરત પહોંચ આપી દેવાય છે. તો ભાડાના સરપંચ વરજાંગભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, 850ની વસતી ધરાવતા આ ગામે સરેરાશ વીસ હજાર એક મહિને માત્ર જન્મદિવસની ઉજવણી પેટે દાન મળે છે. તો મોટા લાયજાથી સરપંચ કિશોર ગઢવી, પાંચોટિયા, કોડાય, મોટા ભાડિયા, મસ્કા સહિતના ગામોમાં પણ સારી આવક થાય છે તેવું સરપંચો અને સેવાભાવી લોકોએ જણાવ્યું હતું. બીજીતરફ, શહેરોમાં રસ્તાઓ ઉપર અને ગામડાંઓમાં ફરતું રામધણ જે અનેક લોકોને હેરાન કરે છે. તો ક્યારેક કતલખાને પણ આવા ગૌવંશ જતા હોય છે, જે બચી શકે તે માટે શહેરના અને ગ્રામજનોના આગેવાનો જાગૃત બને તો ગૌસેવા ક્ષેત્રે પણ ગામડાંઓ આત્મનિર્ભર થઈ શકે તેવી સલાહ પણ અપાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer