માનકૂવામાં લેવા પટેલ સમાજ દ્વારા 80 મકાનોનો શિલાન્યાસ

માનકૂવામાં લેવા પટેલ સમાજ દ્વારા 80 મકાનોનો શિલાન્યાસ
વસંત પટેલ દ્વારા-   કેરા (તા. ભુજ) તા. ર6 :  પટેલ ચોવીસી બિનનિવાસી પ્રભાવવાળી હોઈ ગામમાં રહેણાકના પ્લોટ 10થી 30 લાખના ભાવે મળે છે જે જરૂરતમંદ 5રિવારોને પોષાય એમ નથી તેથી કચ્છી લેવા પટેલ સમાજ ભુજે સામાજિક સ્તરે જ્ઞાતિની સૌ પ્રથમ આવાસ યોજના શરૂ કરી છે જેનો પ્રારંભ કરાવતાં માનકૂવા ખાતે 80 મકાન બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. દશેરાએ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પૂજનવિધિ કરાવી હતી. ગામેગામ આવી વસાહતો ઉભી કરવા સમાજે નિર્ધાર વ્યકત કર્યો હતો. ભૂમિ સહિત 14 કરોડ રૂપિયાનો આ પ્રોજેકટ આરંભાયો હતો. મૂળ માનકૂવાના લંડન વસતા માતા મેઘબાઈ નાનજી હીરાણીના સ્મરણાર્થે પુત્ર વિજયભાઈ હીરાણીએ માનકૂવા-નખત્રાણા માર્ગે ચાર એકર ભૂમિ જ્ઞાતિના  ગરીબ-જરૂરિયાતમંદ પરિવારોને આવાસ માટે સમાજને દાન આપી હતી. તેમાં પ્રથમ તબક્કે 80 મકાનો બાંધવાનું કાર્ય દશેરાના દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો શાત્રી લક્ષ્મીપ્રસાદ સ્વામી, શાન્તિપ્રિયદાસજી સ્વામી, સંગીતકાર શ્રીજીનંદન સ્વામી શ્રીજીપ્રિય સ્વામી, દિવ્યપ્રસાદ સ્વામીના હસ્તે કળશ પૂજન સાથે શરૂ કરાયું હતું. ગામના બન્ને વાસના ત્યાગી સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના વર્ષના છ દાયકાના ઈતિહાસમાં સૌપ્રથમ `ઘરનું ઘર' આવાસ યોજનાની વિગતો આપતાં પ્રોજેકટના સ્વપ્નદૃષ્ટા અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ કહ્યું અહીં 80 મકાન બંધાશે, 26ની નોંધણી થઈ છે. અંદાજે ત્રણેક કરોડની ભૂમિ દાતાએ આપી છે આવી ભૂમિ ચોવીસીના ગામોમાં કોઈ દાન આપશે તો  સમાજ ગામોગામ આવી વસાહતો ઉભી કરી મદદરૂપ માધ્યમ બનશે. ત્રણ રૂમ, કિચન, એટેચ બાથરૂમ, આરામ કક્ષ, સ્વાગત કક્ષ, પાર્કિગ સહિત 1350 ચોરસ ફૂટ બાંધકામ માત્ર 18 લાખ રૂપિયામાં સુપરત કરાશે. ગોપાલભાઈ માવજી ગોરસીયા અધ્યક્ષ બન્યા પછી સૌના સહિયારા સહકારથી અંદાજે 350 કરોડ રૂપિયાના શૈક્ષણિક -આરોગ્ય વિષયક મસમોટાં કાર્ય હિમ્મતભેર શરૂ કર્યાં છે. આ પ્રસંગે નાઈરોબી સમાજના પૂર્વ પ્રમુખ અને કેન્યામાં કચ્છ પ્રાંત વસાહત વખતે પ્રમુખ હતા તે મનજીભાઈ કાનજીભાઈ રાઘવાણીએ કાર્યને ખૂબ જ જરૂરી ગણાવી અનુભવ વર્ણવતા હતા. વડીલ લક્ષ્મણભાઈ રાઘવાણીએ કાર્યને બિરદાવ્યું હતું. પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરીયાએ 1.5 કરોડના દાનની વિગત વર્ણવી હતી. જિલ્લા સિંચાઈ સમિતિ ચેરમેન અને લેવા પટેલ સમાજના આશાસ્પદ રાજકીય આગેવાનો ભીમજીભાઈ જોધાણી અને તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ ભંડેરીએ સહયોગની ખાત્રી આપી હતી. આભારવિધિ કેશરાભાઈ પિંડોરીયા સંભાળતા ઘનશ્યામભાઈ અને ઉપપ્રમુખ માવજીભાઈ રાબડીયાનો પરિચય કરાવાયો હતો. ઠેકેદારો રામજી પિંડોરીયા (માનકૂવા), જયેશ વરસાણી (ભારાસર), ઈજનેર કાન્તિ હીરાણી સહયોગી છે. દશેરાનો પ્રસાદ રામજી પિંડોરીયાએ જ્યારે વ્યવસ્થા માનકૂવા ગામના સહયોગે સમાજની ત્રણેય પાંખના કાર્યકર્તાઓએ સંભાળી હતી. આશીર્વાદ આપતા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ કાર્યને ભગવાન શ્રી હરિનું કાર્ય ગણાવ્યું હતું. તેમણે સામાજીક પ્રવૃતિઓને સમર્થન આપ્યું હતું. ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કોઠારી રામજી દેવજી વેકરીયા, ઉપકોઠારી મુરજીભાઈ સિયાણીએ સમાજના આ ઐતિહાસિક કાર્યને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે માનકૂવાના હરજીભાઈ કરશન દબાસીયા (કણબી સાહેબ), વી.કે. પટેલ (માધાપર), માનકૂવાના અગ્રણી વેલજીભાઈ હીરાણી, સહિતના પ્રદાનને સ્મરાયું હતું. ભુજ સમાજના વર્તમાન ટ્રસ્ટીઓ કે.ડી. પિંડોરીયા, શિવજીભાઈ છભાડિયા (માંડવી), શ્રેષ્ઠીવર્ય દેવશીભાઈ કરશન હાલાઈ, મંદિરના પ્રમુખ હરજીભાઈ હીરાણી, કરશનભાઈ દબાસીયા, મણિનગર સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળના પ્રમુખ લાલજીભાઈ ગોરસિયા, ઠાકરમંદિર પ્રમુખ કરશનભાઈ પુંજાણી, સરપંચ વનિતાબેન કાંતિભાઈ હીરાણી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer