ભુજમાં ઈદે મિલાદનું જુલૂસ મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય

ભુજમાં ઈદે મિલાદનું જુલૂસ મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય
ભુજ, તા. 26 : કોરોના મહામારીને ધ્યાનમાં લઈ ભુજમાં ઈદે મિલાદનું જુલૂસ મોકૂફ રાખવાનો નિર્ણય બાગે રસૂલ કમિટી દ્વારા લેવાયો હતો. હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.નો જન્મ દિવસ તરીકે ઉજવાતા ઈદે મિલાદ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે ભુજમાં મહેફિલે બાગે રસૂલ કમિટીની બેઠક પ્રમુખ સૈયદ એહમદ શા અલ હુસેનીના પ્રમુખપદે મળી હતી. અલી મોહંમદ જતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર ભુજમાં ઈદે મિલાદનું જુલૂસ મોકૂફ રાખવાનો નિર્ણય સર્વાનુમતે બેઠકમાં લેવાયો હતો. ઉપપ્રમુખ મામદભાઈ જુણેજા દ્વારા તમામ મુસ્લિમ સમાજના લોકોને સાદગીપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પોતાના ઘરોમાં ઉજવવા અપીલ કરાઈ હતી. સૈયદ એહમદશા અલહુસેનીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ ફેલાય નહીં મુસ્લિમ સમાજ પોતાના ઘરોમાં ફાતેહ ખ્વાની, પોતાની સોસાયટી તેમજ ઈબાદત ગાહ પર રોશની કરીને તેમજ ઈદે મિલાદના દિવસે સંસ્થા દ્વારા ગરીબ, લાચાર વ્યક્તિઓને ટિફિન સેવા સાથે જમવાનો તેમજ મેન્ટલ હોસ્પિટલના દર્દીઓને તે દિવસે મીઠાઈ વિતરણ કરાશે. તિલાવતે કુર્આને પાક, મૌલાના શકુરુદીને પઢી હતી. હેદેદારો ગફુર શેખ, ગનીભાઈ કુંભાર, કાસમશા સૈયદ, ફકીરમામદ કુંભાર, જુસબ ચાકી, સૈયદ અનવરશા, અનવર નોડે, અખ્તર લાંગાય, કાસમ ચાકી, સૈયદ અખ્તરશા, હનીફ જત સહિતના આગેવાનોએ ચર્ચામાં ભાગ લીધી હતો. મૌલાના અમીર અકબરીએ કોરોનાની મહામારી જલ્દી ખતમ થાય તેવી અલ્લાહ પાક પાસે દુઆએ ખૈર માગી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer