અબડાસાનો વિકાસ થયો એ વાત ખોટી

અબડાસાનો વિકાસ થયો એ વાત ખોટી
નખત્રાણા, તા. 26 : અબડાસા વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર-પ્રવાસ પરાકાષ્ટાએ અને અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. ગામેગામ લોકસંપર્ક, મિટિંગો, બેઠકોનું આયોજન થઇ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ લખપત તાલુકાના વિવિધ ગામોનો ચૂંટણી પ્રવાસ કરી સભાઓ યોજી અબડાસાની જનતા કોંગ્રેસને ખોબેખોબે મતો આપી મને વિજયી બનાવી વિધાનસભામાં મોકલશે તેવા વિશ્વાસ સાથે લોકોએ પણ કોંગ્રેસ તરફી મતદાન કરશે તેવી ખાતરી આપી હતી. ડો. સેંઘાણીએ આશાલડી, સાંયણ, જલુરાઇ, બરંદા, કનેરો, પાનધ્રો, વર્માનગર, દયાપર, ના. સરોવરનો પ્રવાસ કરી પ્રચાર કર્યો હતો. તો પ્રવાસમાં લખપત તાલુકાના કોંગ્રેસ પરિવારના કાર્યકરો, પદાધિકારી, આગેવાનો સાથે રહ્યા હતા. ના. સરોવર પહોંચતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી નખત્રાણા ખાતે તબીબ છું, લોકોની સેવા કરું છું, 1984થી કોંગ્રેસથી જોડાયેલો છું ત્યારે કોંગ્રેસે અબડાસાની ટિકિટ આપી છે. મને સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે વિશ્વાસ રાખજો. આ છેવાડાના સરહદી વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ થશે. લખપત તાલુકામાં રોજગારીની ઘણી તકો છે પરંતુ કોઇ વિકાસ નથી. પ્રવાસન ક્ષેત્રે મોટી મોટી વિકાસની વાતો કરે છે, પોકળ જાહેરાતો કરે છે ત્યારે પાણી-સિંચાઇ-માર્ગો અંગે કેવો ભાજપ દ્વારા વિકાસ થયો છે તે સૌ કોઇ જાણે છે. આગેવાનોએ કહ્યું હતું કે, અબડાસાના લોકો હવે ભ્રામક વાતોમાં આવવાના નથી. વિશ્વાસમાં મૂકી ચૂંટીને મોકલ્યા ને પક્ષપલટો કરી પ્રજાને છેતરી છે તે લોકો માફ નહીં કરે. પ્રવાસમાં કેંગ્રેસના હાજી જુમા રાયમા, હાસમ નોતિયાર, તકીશાબાવા, હુશેનભાઇ રાયમા, આરભભાઇ જત, વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલ, ગુજરાત પ્રદેશ લીગલ સેલ અનુ. જ. જાતિના મહામંત્રી માવજીભાઇ મહેશ્વરી, અશ્વિનભાઇ રૂપારેલ, ઇકબાલભાઇ મંધરા, સલીમભાઇ જત, વેરશીભાઇ મહેશ્વરી, જસવંતભાઇ પટેલ, ડાહ્યાભાઇ પટેલ, અમૃતલાલભાઇ ધોળુ, વિશનજીભાઇ પાંચાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું પક્ષની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer