અબડાસાના અપક્ષ ઉમેદવારને વિજયી બનાવવા પૂર્વ મુખ્યમંત્રીની અપીલ

અબડાસાના અપક્ષ ઉમેદવારને વિજયી બનાવવા પૂર્વ મુખ્યમંત્રીની અપીલ
દયાપર, (તા. લખપત) તા. 26 : રાજકીય બેડામાં જેમની પીઢ નેતા તરીકે ગણના થાય છે તેવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અબડાસા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર હનીફબાવા પડેયારના ચૂંટણી પ્રચારાર્થે કચ્છ આવી પહોંચ્યા હતા. આ તકે પત્રકારો સાથે વાત કરતાં શ્રી વાઘેલાએ હનીફબાવાના નિશાન બેટને જીતાડી ગાંધીનગર મોકલવા અપીલ કરી હતી. તેમણે ગુજરાતમાં દારૂબંધી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ કચ્છ જુણેજા સમાજ અને સમગ્ર મુસ્લિમ સમાજ શ્રી બાવાને વિજયી બનાવે તેવી મુસ્લિમ અગ્રણી દ્વારા હાકલ કરાઈ છે. પત્રકારોને મળ્યા બાદ શ્રી વાઘેલા માતાનામઢ દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ દયાપર ખાતે અપક્ષ ઉમેદવારના કાર્યાલયને ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે તેમનું પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. તેઓ આવતીકાલે સવારે 11 વાગ્યે નલિયા ખાતે સભાને સંબોધશે.`બેટ'ના નિશાનને મત આપી વિજયી બનાવવાનો સૂર બીજી તરફ અબડાસાની ચૂંટણીમાં બેટના નિશાનને મત આપી આ વિસ્તારના જાગૃત આગેવાન હનીફબાવા પડેયારને વિજયી બનાવવામાં આવે તેવો સૂર ઊઠવા પામ્યો છે. કચ્છ જુણેજા સમાજના અને મુસ્લિમ સમાજના 109 વર્ષની ઉંમરે મુસ્લિમ સમાજને નસિહત કરતા હાજી અલીમામદ જુણેજા (કોઠારા)એ અબડાસા વિધાનસભાના લોકલાડીલા અપક્ષ ઉમેદવાર હનીફબાવા પડેયારને લોકો વિજયી બનાવે તેવી અપીલ કરી હતી.અબડાસા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર વતી સાલેમોહંમદ પઢિયાર, જાફરભાઈ ગજણ- કડુલી, સુમરા હાજી ફકીરમામધ - આરીખાણા, ઈબ્રાહીમભાઈ અબડા (આરીખાણા), મુસા અબડા (આરીખાણા), વાઘેર અબ્દુલ્લા ઈશાક શેઠ?(જખૌ), કેર ઈસ્માઈલ સહિતના પ્રવક્તાઓએ (જબરાવાંઢ) ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી.- જખૌમાં આગેવાનો-કાર્યકરો ઊમટયા : જખૌના સ્થાનિક વિવિધ આગેવાનો, વડીલો, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવાનો અને ગ્રામજનોએ પ્રવાસમાં રહેલા આગેવાનોને આવકાર આપ્યો હતો તેવું રાણુભા જાડેજાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer